ધનતેરસે સોની બજાર તેજીથી ઝગમગી : અંદાજે 8 કરોડથી વધુના સોનાની ખરીદી થઈ

- text


અગાઉ મંદીના કારણે નવરાધૂપ રહેલા ઝવેરીઓને આજે માથું ઉચકવાની પણ ફુરસદ ન મળી, લોકોમાં ખરીદીનો અપાર ઉત્સાહ

મોરબી : મોરબીની સોની બજારમાં ભાવવધારા સહિતના કારણે ઘણા સમયથી મંદી હતી. પણ આજે સોની બજારમાં ભારે રોનક જોવા મળી હતી. આજે ઘનતેરસે સોનાની ખરીદી કરીને લક્ષ્મીજીની પૂજા કરવાની માન્યતા હોવાથી અગાઉ નવરાધૂપ રહેલા ઝવેરીઓને આજે માથું ઉચકવાની પણ ફુરસદ ન મળી ન હોય તેટલી ભીડ ઉમટી હતી અને લોકોએ સોનાની ખરીદી કરી લક્ષ્મીજીની પૂજા અર્ચના કરી હતી.

મોરબીના હૃદય ગણાતા નહેરુ ગેઇટ ચોક અંદરથી છેક ગ્રીનચોક સુધીની બજાર સોની બજાર તરીકે વર્ષોથી ઓળખાય છે. સોની બજારમાં નાની મોટી 100 જેટલી દુકાનો આવેલી છે. આ સોની બજારમાં અત્યાર સુધી ભારે મંદીને કારણે કાગડા ઉડતા હતા. અગાઉ મંદીના કારણે ઉદાસ રહેલા ઝવેરીઓ આજે હરખાઈ ઉઠ્યા હતા. આજે ઘનતેરસે વર્ષોની પરંપરા મુજબ સોનુ ખરીદવું શુકનવંત ગણાતું હોય સોની બજારમાં મોટી સંખ્યામાં લોકો સોનું ખરીદવા ઉમટી પડ્યા હતા.આથી સોની વેપારીઓને શ્વાસ લેવાની પણ ફુરસદ ન હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. સોની અગ્રણીએ કહ્યું હતું કે, મંદીના કારણે રોજની જેમ આજે પણ નિરાશ જ થવું પડશે અને દિવાળી નબળી જશે એવો ડર હતો. પણ લોકોએ સોની વેપારીઓના મુખમાં છવાયેલું ઉદાસનું આવરણ હટાવીને સ્મિત વેરી દીધું હતું. આજે ધનતેરસે સોની બજારમાં આશરે 8 કરોડનો વેપાર થયો હતો. લોકોએ નાના મોટા સોનાની ખરીદી કરીને લક્ષ્મીજીની પૂજા કરવાનું શુકન સાચવ્યું હતું.

- text

- text