વોકલ ફોર લોકલ ! મોરબીમાં મનમોહક દિવડા બનાવી અનેક બહેનો માટે રોજગારીનું સર્જન

- text


જય બજરંગ દીવડા ગૃહ ઉદ્યોગ અનેક પ્રકારના દીવડા બનાવે છે 

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્થાનિક ધંધાર્થીઓ અને નાના વેપારીઓને સહકાર આપવાના હેતુથી ‘વોકલ ફોર લોકલ’ પહેલનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે તહેવારોની સિઝનમાં સ્થાનિક બજારોમાંથી જ નાના વેપારીઓ, લારી ધારકો અને ફેરીયાઓ પાસેથી વસ્તુ ખરીદી તેમના પરિશ્રમને દીપવવો જરૂરી છે. મોરબીમાં જય બજરંગ મહિલા મંડળ સંચાલિત જય બજરંગ દીવડા ગૃહ ઉદ્યોગ અનેક પ્રકારના દીવડા બનાવે છે ત્યારે આ દિવાળીએ તેમને ત્યાંથી દીવડાની ખરીદી કરી આપણા ઘરે તેમજ ત્યાં કામ કરતા બહેનોના ઘરે પણ અજવાળું કરીએ.

પ્રકાશ પર્વ એવો દિવાળીનો તહેવાર ટૂંક સમયમાં જ આવી રહ્યો છે અને તહેવાર માટેની ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે આ વખતે એક દ્રઢ નિશ્ચય કરીએ કે, કોઈપણ વસ્તુની ખરીદી વિદેશી સાઇટ્સ કે શોરૂમમાંથી કરવા કરતાં સ્થાનિક બજારો માંથી જ કરીશું. દિવાળીને પ્રકાશનો પર્વ કહેવામાં આવે છે ત્યારે દિવાળીમાં દીપકનું સવિશેષ મહત્વ રહેલું છે. ગૃહ ઉદ્યોગ અને નાના વેપારીઓ પાસેથી લીધેલો આ એક દીવડો બે ઘરમાં અજવાળું પાથરે છે. આપણે દીવડો લઈ અને ઘરે પ્રજ્વલિત કરીએ ત્યારે ઘરે તો એ અજવાળું કરે જ છે પરંતુ સાથે સાથે જે ગૃહ ઉદ્યોગ પાસેથી કે વેપારી પાસેથી દીવડાની ખરીદી કરી છે તેમના ઘરે અને તેમની સાથે જોડાયેલા નાના એવા કારીગરોના ઘરે પણ પ્રકાશનું કિરણ પથરાય છે.

મોરબીના લાલપર પાસે જય બજરંગ દીવડા ગૃહ ઉદ્યોગ આવેલો છે. દિલીપભાઈ વામજા અને તેમના પત્ની અનિલાબેન વામજા તેમજ તેમના ભાઈ હિતેશભાઈ વામજા ત્રણે સાથે મળી આ ગૃહ ઉદ્યોગનું સંચાલન કરે છે. તેમની સાથે ૪૦ થી ૫૦ જેટલી બહેનો પણ ગૃહ ઉદ્યોગમાં જોડાયેલી છે. આ ગૃહ ઉદ્યોગની ટીમ અનેક પ્રકારના દીવડા બનાવી તેમાં પોતાના સપનાઓના સપ્તરંગો ભરી આ દીવડાને વધુ આકર્ષક બનાવે છે.

અનેક બહેનોની રોજગારી સાથે જોડાયેલા આ દીવડાના ગૃહ ઉદ્યોગમાં દીવડાની અનેક પ્રકારની વેરાઈટીઓ બનાવવામાં આવે છે ઘણી બધી વેરાઈટીઓ તો એવી છે કે તમને બીજે ક્યાંય જોવા પણ ના મળે. ખરેખર મનમોહક દિવડા જોઈને ઘડીક તો અચરજ થાય જ. દિલીપભાઈ અને અનિલાબેનને આ ઉદ્યોગમાં કામ કરતા જોઈએ ત્યારે તેમના ચહેરા પર એક આત્મસંતોષ વ્યક્ત થતો હોય. આ આત્મસંતોષ સાથે તેઓ જાણે કહેતા હોય કે, ધંધો નાનો છે પણ અમારો પોતાનો છે. ગૃહ ઉદ્યોગની આ ત્રિપુટી ભાત ભાતના દીવડા બનાવી દિવાળીએ અનેક ઘરોમાં અને મંદિરોમાં તો અજવાળા પાથરે જ છે પરંતુ અનેક બહેનોને રોજગારી આપી તેમના ઘરમાં પણ આજીવિકાનું અજવાળું પાથરી રહ્યા છે.

દેશના વડાપ્રધાનએ જ્યારે કહ્યું છે કે આવા ગૃહ ઉદ્યોગો અને નાના ઉદ્યોગકારોના પરિશ્રમને અજવાળીએ ત્યારે ચાલો આપણે પણ આ ગૃહ ઉદ્યોગમાંથી દીવડા ખરીદીએ અને આ બહેનોની દિવાળીમાં સહભાગી બનીએ.

ગૃહ ઉદ્યોગના સંચાલક હિતેશભાઈ વામજા જણાવે છે કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ‘વોકલ ફોર લોકલ’ પહેલ શરૂ કરી છે તેનાથી નાના ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે. લોકો સ્થાનિક બજારોમાંથી વસ્તુ ખરીદશે જેનાથી નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો તેમજ તેની સાથે જોડાયેલા અનેક લોકોની દિવાળી સુધરશે. અમે છેલ્લા દસ વર્ષથી આ દીવડાનો ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ જેમાં અમે અનેક પ્રકારના દીવડા બનાવીએ છીએ. અમારા ગૃહ ઉદ્યોગ સાથે ૪૦ થી ૫૦ જેટલી બહેનો જોડાયેલી છે જે બહેનો દીવડા બનાવવાનું તેમજ તેને રંગ-રોગાન કરવાની કામગીરી કરે છે.

કેટલીક બહેનો અહીં ગૃહ ઉદ્યોગમાં આવીને કામ કરે છે તો ઘણી બહેનો ઘરેથી જ કામ કરી આ ગૃહ ઉદ્યોગમાં સહભાગી બને છે. આ દિવડા બે ઘરમાં અજવાળું કરે છે એક તો જે ખરીદે તેમના ઘરે અને બીજું આ ઉદ્યોગો સાથે જોડાયેલા નાના કામદારોના ઘરમાં. સરકારે જ્યારે આ નાના લોકોના પરિશ્રમને અજવાળવા એક પહેલ કરી છે ત્યારે હું પણ અપીલ કરું છું કે અમારા જેવા નાના ઉદ્યોગો પાસેથી તમે દીવડા તેમજ અન્ય વસ્તુની ખરીદી કરી નાના લોકોને સહભાગી બનજો અને તેમની દિવાળી દીપાવજો”.

તો ચાલો આપણે પણ આ ‘વોકલ ફોર લોકલ’ પહેલમાં સહભાગી બનીને આવા નાના ઉદ્યોગો તેમજ ગૃહ ઉદ્યોગો પાસેથી વસ્તુઓની ખરીદી કરી તેમના પરિશ્રમને જરૂરથી અજવાળીએ.

- text

- text