જાહેરમાં કચરો નાખશો તો દંડાશો ! મોરબી પાલિકાએ વેપારીઓને દંડ ફટકાર્યો

- text


જિલ્લા કલેકટરની સૂચના બાદ પાલિકાએ દંડનીય કાર્યવાહી કરી

મોરબી : મોરબીમાં જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની જીલ્લા કલેકટરે કડક સૂચના આપતા મોરબી નગરપાલિકા તંત્રએ ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી કરવા હરકતમાં આવ્યું હતું અને પાલિકાની ટીમે સઘન ચેકિંગ કરી કચરો જ્યાં ત્યાં નાખીને ગંદકી ફેલાવતા વેપારીઓ સામે તવાઈ ઉતારી ગંદકી ફેલાવનાર 5 વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી.

મોરબીમાં ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાયા હોય છતાં તંત્ર આવી ગંદકીને નજર અંદાજ કરતું હોવાથી આજે જિલ્લા કલેકટરે જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવી જન આરોગ્યને જોખમમાં મુકતા વેપારીઓ સહિતના લોકો સામે કાર્યવાહી કરવાની તાકીદ કરતા નગરપાલિકા તંત્રએ આજે આળસ ખંખેરી હતી. મોરબી પાલિકા તંત્ર આજે જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા વેપારીઓ ઉપર તૂટી પડ્યું હતું અને 5 વેપારીઓ સામે રૂ.1200નો દંડ ફટકાર્યો હતો. સામે વેપારીઓએ પહેલાં પાલિકાએ સ્વચ્છતા રાખવી જોઈએ અને પછી જ કાર્યવાહી કરવી જોઈએ તેવો બળાપો ઠાલવ્યો હતો. પણ પાલિકાના જણાવ્યા મુજબ બે દિવસ સુધી શનાળા રોડ, રવાપર રોડ, નહેરુ ગેઇટ ચોક બજાર, ગેસ્ટ હાઉસ રોડ સહિતના વિસ્તારોમાં વેપારીઓ સહિતના લોકોને જાહેરમાં કચરો ન ફેકવો તેવી તાકીદ પણ કરી હતી. તેમ છતાં પણ કચરો નાખતા જણાતા પાલિકાની ટીમે રામ રસ, ચામુંડા ટી સ્ટોલ, ગેમ ઓવર કપડાં, અન્ય કપડાંની દુકાન અને મહેશ પાનના સંચાલકો સામે કાર્યવાહી કરી હતી.

લોકોની ફરિયાદ મુજબ શહેરમાં ઘણી જગ્યાએ નગરપાલિકા તંત્રની કચરા ગાડી આવતી નથી અને તંત્ર દ્વારા યોગ્ય રીતે કચરો ઉપાડવાની કાર્યવાહી પણ થતી નથી. ઘણી બધી જગ્યાએ કચરાના ગંજ ખડકાયા હોવાની વચ્ચે તંત્રએ આજે દંડનીય કાર્યવાહી કરતા વેપારીઓ સહિતના લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો.

- text

- text