દિવાળી કામ માટે આ ટીપ્સ અપનાવો ફટાફટ ને ઘરને ચમકાવો ચકાચક..

- text


મોરબી : નવરાત્રિ પૂરી થતાં જ લોકો દિવાળીની તૈયારીઓ કરવામાં લાગી જાય છે. દિવાળીનો તહેવાર દરેકના ઘરમાં ખુશીઓ લઈને આવે છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દિવાળી પહેલા ઘરને શણગારવા માટે સાફસફાઈનું કામ ચાલુ થઈ ગયું છે. પરંતુ આ દરમિયાન એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સફાઈનું કામ વહેલું પૂરું કરીને ઘરને વ્યવસ્થિત રાખી શકાય. આથી, દિવાળી નિમિત્તે ઘરને ચકાચક ચમકાવા માટે આ ટીપ્સ ફટાફટ અપનાવી જોઈએ.

બિનજરૂરી વસ્તુઓનો નિકાલ

સૌ પ્રથમ ઘરમાંથી બિનજરૂરી અને તૂટેલી વસ્તુઓનો નિકાલ કરવો જોઈએ. જેથી, સફાઈમાં કોઈ મુશ્કેલી ન આવે. તૂટેલા વાસણો અને તૂટેલી ચીજવસ્તુઓ માત્ર ઘરની જગ્યા જ નથી રોકતી પણ ઘરમાં ડાધા પણ પાડે છે. તૂટેલી ક્રોકરી, વાસણો, ઘસાઈ ગયેલા જૂતા અને ચપ્પલ ફેંકી દેવા જોઈએ અને વધારાના કપડાં સંઘરવાને બદલે કોઈને આપી દેવા જોઈએ.

દિવાલ અને પંખા

દિવાલો સાફ કરવા માટે લાંબી લાકડીવાળા બ્રશનો ઉપયોગ કરી શકાય. સૌ પ્રથમ પંખાને સૂકા કપડાથી સાફ કરવો જોઈએ. ત્યારબાદ ડિટર્જન્ટ પાઉડર વાળા પાણીમાં કાપડું ભીનુ કરીને પંખો સાફ કરવાથી પંખો એકદમ નવો દેખાશે અને છતની પણ સફાઈ થઈ જશે.

બારી અને સોફા

બારીની સફાઈ જલ્દીથી કરવા માટે બેકિંગ સોડા અને વિનેગારને મિક્સ કરીને તેને ૧૫ મિનિટ સુધી રાખીને તેનાથી કરવા જોઈએ. તેમજ સોફાની સફાઈ માટે હાથમાં રબરના મોજા પહેરી શકાય. જેથી, સોફા જલ્દીથી સાફ થઈ જશે.

ટાઈલ્સ અને ફ્લોર

ઘરમાં જમીનની ટાઈલ્સ અને ફ્લોર વધારે ગંદા રહે છે. ફ્લોર પર ધૂળ-માટી, ગંદકી વધુ જોવા મળે છે. ચપ્પલ પહેરીને અવરજવર થતી હોવાથી ફ્લોર પર નિશાન પડી જાય છે અને ફ્લોર ગંદી દેખાય છે. દિવાળી પર ફ્લોર અને ટાઈલ્સ સાફ કરવા માટે, એક ડોલ પાણીમાં એક ચમચી ઇથેનોલ મિક્સ કરીને પોતું લગાવું જોઈએ. તેમજ ગમે તેવા ડાઘ દૂર કરવા માટે વિનેગારનો ઉપયોગ કરી શકાય છે.

- text

પડદા અને સ્લાઈડિંગ ડોર

ઘરના ઈન્ટીરિયરમાં પડદા સૌથી મહત્વના હોય છે. ત્યારે વેક્યૂમ ક્લીનરથી પડદામાં લાગેલી ગંદકી સરળતાથી સાફ થઈ જાય છે. ધૂળ માટીના ઝીણા કણ પણ વેક્યૂમથી સાફ થઈ જાય છે. પડદામાં ચીકાશ કે ખાવા-પીવાના ડાઘ સ્ટીમથી પણ સાફ કરી શકાય છે. આ માટે સ્ટીમ ક્લીનરની મદદથી પડદાને થોડા દૂરથી ઉપરથી નીચેની તરફ સાફ કરવો જોઈએ. સ્ટીમ બાદ પંખો ચલાવીને પડદાને થોડા સૂકાવા દેવા પડે છે. તેમજ સ્લાઈડિંગ ડોર ઓછા સમયમાં સાફ કરવા માટે હાથમાં મોજા પહેરીને તેને ઝડપથી સાફ કરી શકાય છે.

ઘરની સજાવટ

ઘરની સફાઈ કર્યા પછી ઘરને સજાવવું પણ જરૂરી છે. દિવાળીમાં ઘરને સજાવવા માટે ઘરમાં સુંદર પડદા લગાવવા જોઈએ. ડેકોરેશનની ચીજવસ્તુઓ રાખવી જોઈએ. ઘરને સજાવવા માટે કાચની બોટલમાં લાઇટિંગ કરી શકાય છે. દિવાળીના તહેવાર શરૂ થતાં રોજ રાત્રે દીવા પ્રગટાવી શકાય. થ્રીડી રંગોળી પણ ઘરની સુંદરતામાં વધારો કરશે.

- text