હળવદના સામંતસર તળાવની કાંઠે સુરજ ઉગતાની સાથે થાય છે સ્વચ્છતાનો સૂર્યોદય

- text


‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અન્વયે હળવદના નાગરિકોએ પૂરું પાડ્યું જનભાગીદારીનું અનન્ય ઉદાહરણ

મોરબી : ભારત સરકાર દ્વારા સ્વચ્છતા માટે શરૂ કરેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અને તેના પગલે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે જનભાગીદારીને સવિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં હળવદ શહેરના નાગરિકોએ હળવદના હૃદય સમા સામંતસર તળાવની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી જન ભાગીદારીનું એક આદર્શ ઉદાહરણ ઊભું કર્યું છે.

સામંતસર તળાવ એટલે સહેલાણીઓ માટેનું સ્થળ, પક્ષીઓ માટેનું રહેઠાણ તેમજ હળવદના લોકો માટે એક મહત્વની અસ્ક્યામત. વહેલી સવારે અહીં ચાલવા આવતા લોકો તળાવનું સૌંદર્ય અને તાજગી જોઈ પ્રફુલિત બની જાય ત્યારે આવા મહામૂલા સામંતસર તળાવમાં કે તળાવની કાંઠે ગંદકી કેમ શોભે ? બસ આવા જ ઉમદા વિચાર સાથે હળવદમાં સામંતસર તળાવની કાંઠે શરૂ થયો સ્વચ્છતા યજ્ઞ. ૧૫ સપ્ટેમ્બર થી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે હળવદમાં સામંતસર તળાવની કાંઠે સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. ૧૦-૧૫ લોકોએ મળીને શરૂ કરેલા આ સ્વચ્છતા યજ્ઞમાં દરરોજ ૩૦થી વધુ લોકો જોડાય છે અને તળાવમાંથી લીલ, ઘાસ, પ્લાસ્ટિકનો કચરો, લોકોએ પધરાવેલી ધાર્મિક સામગ્રી, ગરબા, ચુંદડી વગેરે વસ્તુઓ હટાવી તેનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સવારે વોકિંગ કરવા આવતા લોકોએ અહીંની ગંદકી જોઈ અને લોકોની સુવિધા માટે આ તળાવને સ્વચ્છ બનાવવાનો વિચાર અને નિર્ધાર કર્યો બસ આ વિચારની સાથે જ આરંભ થયો આ અનન્ય સ્વચ્છતા યજ્ઞનો. આજે લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે, ક્યાંય પણ કચરો કે ગંદકી દેખાય તો કોઈ આ કચરો હટાવતું કેમ નથી? અહીંયા લોકો ગંદકી કેમ કરે છે ? બસ આજ વિચારો કરી પરિસ્થિતિ સાથે સમાધાન કરી લે છે. જ્યારે ખરેખર જરૂર છે આવા સમયે બસ એક પહેલ કરવાની. સામંતસર તળાવની સફાઈ કરવા માટે એક પહેલ થઈ અને ત્યારબાદ લોકો સ્વૈચ્છિક રીતે આ કામગીરીમાં જોડાવા લાગ્યાને ધીરે ધીરે સામંતસર તળાવ ફરીથી રળિયામણું બનવા લાગ્યું.

હળવદના હેપી મોર્નિંગ ગૃપના સભ્યો, શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના સેવકો, ગોરી દરવાજાના યુવાનો, પ્રબુદ્ધ નાગરિકો, ડોક્ટર, રીટાયર્ડ ફોજી, વેપારીઓ, બિલ્ડર્સ, નિવૃત્ત અધિકારીઓ/કર્મચારીઓ, ખેડૂતો અને સેવાભાવી લોકો એમ સૌએ આ સ્વચ્છતા યજ્ઞમાં પોતાના કિંમતી સમયની આહુતિ આપી રહ્યા છે અને હળવદના નાગરિકો પણ સ્વૈચ્છિક રીતે આ કાર્યમાં જોડાઈ રહ્યા છે.

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ થયો ત્યારથી લઇ અને આજ સુધી દરરોજ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી એમ ૨ કલાક આ તમામ ગૃપના સભ્યો અને હળવદના નાગરિકો સ્વૈચ્છિક રીતે શ્રમદાન કરે છે અને સામંતસર તળાવને સ્વચ્છ બનાવવા ભગીરથ પ્રયાસો કરે છે. આ લોકોની પહેલ અને આ પ્રયાસોને સફળતા પણ મળી રહી છે લોકો આ કામગીરી પરથી પ્રેરણા લઈ સ્વચ્છતા માટે કટિબદ્ધ બની રહ્યા છે. તળાવમાં ગંદકીના કારણે જતા રહેલા અનેક યાયાવાર પક્ષીઓ પણ ફરી પાછા તળાવમાં આવી ગયા છે અને રહેઠાણ બનાવી વસવાટ કરી રહ્યા છે. તળાવની ગંદકીના કારણે કોઈ પ્રાણી પણ આ પાણીમાં મોઢું નાખવા તૈયાર નહોતા ત્યારે હવે ધીરે ધીરે ઢોરઢાંખર આ તળાવમાં પાણી પીવા લાગ્યા છે. આ તમામ સ્વચ્છાગ્રહીઓ જ્યાં સુધી સામંતસર તળાવ સંપૂર્ણ બની જાય ત્યાં સુધી સાફ-સફાઈની કામગીરી શરૂ રાખી લોકોના સાથ સહકારથી તળાવની સ્વચ્છતા જાળવી રાખવા પ્રયત્ન કરતા રહેશે.

આ તમામ સ્વચ્છાગ્રહીઓ દ્વારા પાઇપ, વાંસ, જાળી વગેરે દ્વારા બનાવેલા સાધનોથી તળાવની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. ઉપરાંત હુડકા દ્વારા પણ તળાવની અંદર જઈ શેવાળ સહિતની ગંદકી હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્વચ્છતાની આ કામગીરીમાં હળવદ નગરપાલિકા દ્વારા પણ પૂરતો સહયોગ કરવામાં આવી રહ્યો છે. નગરપાલિકા દ્વારા ટ્રેક્ટરથી આ તમામ ગંદકી ઉપાડી ડમ્પિંગ સાઈટ ઉપર તેનો યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે, જરૂર પડે નગરપાલિકાના કર્મચારીઓ પણ સ્વચ્છતાની આ કામગીરીમાં જોડાય છે ઉપરાંત જેસીબીથી આ ગંદકી ભરવા માટે પણ સહકાર આપવામાં આવી રહ્યો છે.

ડમ્પીંગ સાઈટ સિવાય શેવાળનો આ કચરો ખેડૂતો પણ લઈ જાય છે કારણ કે, પ્રાકૃતિક ખેતીની દ્રષ્ટિએ શેવાળ એ પાક માટે ખાતર તરીકે ખૂબ જ જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે જેથી આ વેસ્ટ માંથી બેસ્ટ પણ મળી રહે છે.

- text

- text