હમ યાદો કે ફૂલ ચઢાયે ઔર આસું કે દીપ જલાયે ; ઝૂલતો પૂલ તૂટતા ગુમાવેલ સ્વજનોનો આઘાત કેમેય કરીને જીરવી શકાય એમ નથી : પીડિતો

આખે આખો પરિવાર કે પરિવારના બે ત્રણ સભ્યો ગુમાવનાર પીડિતોની આંખમાંથી હજુ ય આંસુ રોકાતા નથી

મોરબી : મોરબીમાં એક વર્ષ પેહલા ઓરેવા કંપની દ્વારા રાજાશાહી વખતના ઐતિહાસિક ઝૂલતાપૂલનું રીનોવેશન કરીને દિવાળીના તહેવારોમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારોમાં ઝૂલતાપૂલ ખુલ્લો મુકાતા દરેક મોરબીવાસીઓમાં પુલ ઉપર હરવા ફરવા જવાનો ભારે હરખ હતો. પણ 30 ઓક્ટોબરે આ હરખ માતમમાં ફેરવાયને મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. 30 ઓક્ટોબરની સાંજે 6:30 વાગ્યાની આસપાસ ઝૂલતાપૂલમાં ભારે ભીડ હોઇ આ ઐતિહાસિક પુલ તૂટી પડ્યો હતો અને પુલ ઉપર ફરવા આવેલા અનેક લોકો, બાળકો, મહિલાઓ સાથે નીચે નદીમાં ડૂબી ગયા હતા. આ બનાવને પગલે આસપાસના મકરાણીવાસ સહિતના વિસ્તારના યુવાનો મચ્છુ નદીમાં ડુંબતા લોકોને બચાવવા કૂદી પડ્યા હતા અને પોલીસ પણ દોડી ગઈ હતી. પોલીસ તેમજ ઘણા બધા સ્થાનિક લોકો રેસ્ક્યુ હાથ ધર્યું હતું. એમાં અનેક લોકો બચી ગયા હતા. રાત્રે સરકારની એનડીઆરએફની ટીમ સહિત ઘણીબધી રાહત અને બચાવની ટુકડીઓ આવી પહોંચી મચ્છુ નદીને ધમરોળી નાખી હતી. પણ આ બચાવ કાર્યમાં લાશો હાથ લાગી હતી. સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોના ખડકલા થયા હતા. તેમજ 56થી વધુ નાના નાના બાળકોના મૃતદેહો મળતા હૈયાફાટ આક્રંદ મચી ગયું હતું. ભયાનક તારાજી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 135 લોકો મૃત્યુ પામ્યા હતા. ઘણા લોકોએ આખે આખો પરિવાર ગુમાવ્યો હતો. તો કેટલાક પરિવારોએ ઘરના આધારસતભ જુવાનજોધ દીકરાઓ ગુમાવતા મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું. આજે આ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થવા છતાં આખે આખો પરિવાર કે બે ત્રણ સભ્યો ગુમાવનાર પીડિતોની આંખમાંથી આસું રોકાતા નથી. પળ-પળ દિવગંતોની યાદ સતાવે છે. એમના માટે આ આઘાત કોઈ કાળે જીરવી શકાય એમ જ નથી. યોગ્ય ન્યાય મળે તો પણ કાળજે લાગેલો ઘા કેમેય કરીને રૂઝાય એમ નથી.

દુર્ઘટનાના આગલા દિવસે મેં જવાની ના ન પાડી હોત તો આજે પપ્પા અને ભાઈ મારી સાથે હોત : નોંધારી દીકરી

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયાનગરમાં રહેતી વંદનાબેન મહેશભાઈ મકવાણા પુલ દુર્ઘટનાના એ દિવસો યાદ કરતા કહે છે કે, તેની માતા અગાઉ જ મૃત્યુ પામી હતી. આથી તે પપ્પા અને ભાઈ સાથે જ રહેતી હતી. ગત દિવાળીમાં ઝૂલતાપૂલ ખુલ્લો મુકાયો એટલે તેના પપ્પા મહેશભાઈએ દુર્ઘટના બની એના આગલા દિવસે પુલ ઉપર ફરવા જવાનું કહ્યું હતું. પણ આ દીકરીએ તે દિવસે પપ્પાને જવાની ના પાડી હતી. એટલે બીજા દિવસે ગયા બાદ તેના પપ્પા, ભાઈ અને બીજો એક પિતરાઈ ભાઈ એમ ત્રણ સભ્યો ઝૂલતાપૂલની દુર્ઘટનામાં મૃત્યુ પસમ્ય હતા. આથી તેણી રડતા રડતા કહે છે કે, દુર્ઘટનાના આગલા દિવસે મેં ના ન પાડી હોત તો આજે મારા પપ્પા અને ભાઈ મારી સાથે હોત. ભાઈ સાથે ભણવા ટ્યુશનમાં અને રમવા સાથે જ જતી હોવાથી તેના ભાઈની યાદ બહુ જ સતાવે છે. રોજ પપ્પા અને ભાઈની યાદમાં રડી પડું છું, મારા પપ્પા મને ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરવાનું કહેતા હતા. એટલે આખું વર્ષ મુશ્કેલ ભર્યું રહ્યું હોવા છતાં ધો.10 પાસ કરીને 11 કોમર્સમાં ભણું છું.

આ બનાવ ખરેખર માનવસર્જિત ગંભીર ગુનો છે : દીકરી ગુમાવનાર પિતા

પ્રભુભાઈ લક્ષ્મણભાઈ નામના વૃદ્ધ કહે છે કે, મેં ઝૂલતાપૂલ દુર્ઘટનામાં જુવાનજોધ અને કોલેજ કરતી દીકરી ગુમાવી છે. એક બાપ તરીકે હું એનો સારી રીતે ઉછેર કરીને ભણાવતો હતો. ત્યારે આ માનવ સર્જિત આપતીમાં મારી પુત્રી મૃત્યુ પામી એનો આઘાત જિંદગીભર રહેશે. આ દુર્ઘટના કુદરતી નથી. માનવ સર્જિત છે. એટલે આ માટે જવાબદાર હોય એની સામે 302નો ગુનો દાખલ કરીને કડક સજા કરો તેવું જણાવ્યું હતું.

ત્રણ પુત્રો ગુમાવ્યા બાદ ભગવાને સંતાનની ખોટ સાલવા ન દીધી

મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ ગાંધી સોસાયટીની અંદર આવેલા બૌદ્ધનગરમાં રહેતા રાજુભાઈ મૂછડીયા મજુરી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રો જ હતા. જેમાં ચિરાગ રાજુભાઇ મૂછડીયા (ઉ.વ.19), ધાર્મિક (ઉ.વ.18) અને ચેતન (ઉ.વ.16) હજુ તો યુવાન બને અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય તે પહેલાં માનવ સર્જિત આપત્તિએ છીનવી લીધા હતા. જો કે ભગવાને એમને સંતાનની ખોટ સાલવા દીધી નથી અને મારા ઘરે ફરી એક પુત્રનો જન્મ થયો છે. પણ ત્રણ પુત્રો ગુમાવ્યાનો આઘાત જિંદગીભર રહેશે.

માતાપિતા ગુમાવનાર પાંચ વર્ષનો બાળક માંડ માંડ આઘાતમાંથી બહાર આવ્યો

હળવદ રહેતા મહેશભાઈ નાથાભાઈ માણાંવદરિયા કહે છે કે, તેમના મોરબી રહેતા સાળા હાર્દિકભાઈ અશોકભાઇ ફળદુ અને તેના પત્ની આરતીબેન તેમજ તેમનો પાંચ વર્ષનો પુત્ર જીયાસ સહિતના પાંચ સભ્યો ઝૂલતાપૂલ ઉપર ફરવા ગયા હતા. ત્યારે પુલ તૂટી પડતા જીયાસના માતા-પિતા સહિત ચાર જણા મૃત્યુ પામ્યા હતા. એકમાત્ર જીયાસ જ બચી ગયો હતો. આ બાળક નોંધારો બની જતા અમે ફુઈ ફુવાએ તરત તેને સાચવીને હળવદ. લઈ આવ્યા હતા અમે તેનો દીકરાની જેમ ઉછેર કરીએ છે.આ પાંચ વર્ષનો બાળક છે એટલે શરૂઆતમાં મમ્મી પપ્પાને યાદ કરીને રડતો અને મમ્મી પપ્પાને ન જોતા આઘાત લાગ્યો હતો. પણ અમારા પુત્ર સાથે રોજ રમે અને ભણે ગણે એટલે હવે એ નોર્મલ થઈ ગયો છે અને આઘાતમાંથી બહાર આવ્યો છે. આ દુર્ઘટના જેટલા પણ જવાબદાર છે એને કડક સજા મળવી જ જોઈએ.

મારે એક રૂપિયાની પણ સહાય ન જોઈએ મારે તો બસ મારી પુત્રી પાછી જોઈએ : માતાનો વલોપાત

સંગીતાબેન ચૌહાણ કહે છે કે, મારે આગળ.પાછળ કોઈ નથી. મારે એક 20 વર્ષની દીકરી હતી એને મેં લાડકોડથી ઉછેરી હતી. પણ આ માનવ સર્જિત આપતી પુલ દુર્ઘટનામાં એ પુત્રીને ગુમાવી દીધી છે. સરકારે 10 લાખ આપ્યા જયસુખ પટેલે 10 લાખ આપ્યા પણ મારે એક રૂપિયાની સહાય જોતી નથી. કહો તો હું સામેથી 20ના 40 લાખ દેવા તૈયાર છું કોઈ મારી દીકરીને પાછી આપશે ખરા ? આરોપીઓ કડક સજા આપો કે છોડી દો મને એની પરવા નથી. મારે બીજું કાંઈનો જોઉં મારે તો બસ મારી પુત્રી જ પાછી જોઈએ.

પરિવારના આઠ સભ્યો ગુમાવ્યાના આઘાતની કળ ક્યારેય નહી વળે

મોરબીના વતની અને હાલ વાંકાનેરમાં રહેતા પ્રતાપસિંહ ગંભીરસિંહ જાડેજા કહે છે કે, ઝૂલતાપૂલની દુર્ઘટનામાં મારા આખા પરિવારનું નામોનિશાન રહ્યું નથી. જેમાં તેમના પત્ની, બે દીકરીઓ, ભાભી, ભાભીના બે દીકરા અને માતા તેમજ સાળી એમ આઠ સભ્યોના ઝૂલતાપૂલની દુર્ઘટનામાં મોત થયા હતા. જો કે મારા પત્ની સર્ગભા હતા. એટલે એ નવજાત શિશુ મળીને નવના મોત થયા હતા. આથી પરિવારમાં ખાલી હું, મારા પિતા અને ભાઈ જ રહ્યા છીએ. આથી આ દુર્ઘટનામાં જેટલા દોષિત છે એને કડક સજા મળવી જોઈએ.

મારી દીકરી સહિત છ સભ્યો ગુમાવ્યા પણ ભાઈએ દીકરીની ખોટ સાલવા ન દીધી

મોરબીના સો-ઓરડીમાં રહેતાં મહેબૂબભાઇ ગુલજારભાઈ મીરએ કહ્યું હતું કે, પુલ દુર્ઘટના પહેલા મારા મામાના ઘરે સગાઈનો પ્રસંગ હતો, એટલે ગોંડલ સહિતના શહેરોમાં રહેતી મારી ચાર બહેનો આ પ્રસંગમાં આવી હતી. ત્યારે તેમની 20 વર્ષની પુત્રી નફિસા, પુત્ર, બહેનો સહિત 35 સભ્યો ઝૂલતાપૂલ ઉપર ફરવા ગયા હતા. ત્યારે પુલ તૂટી પડતા આ બધા સભ્યો નદીમાં ડૂબી ગયા હતા. એમાંથી મારો પુત્ર બહાર નીકળી અમુક સભ્યોને બચાવીને મને ફોન પર આ ઘટનાની જાણ કરી હતી. આથી હું પણ ત્યાં પહોંચીને ડૂબતા અમુક સભ્યોને બહાર ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. પણ મારી પુત્રી, બે બહેનો, ભાણેજ મળીને 6 સભ્યોને બચાવી શક્યા ન હતા. એ સિવાયના બધા જ સભ્યોને બચાવી લેવાયા હતા. દરમિયાન થોડા સમય પહેલા મારા ભાઈને ઘરે દીકરીનો જન્મ થયો હતો. મને પુત્રીની ખોટ ન સાલે તે માટે મારાભાઈએ તેની જન્મેલી દીકરીને મને દત્તક આપી દીધી છે. એ દીકરીનું નામ મેં નફીસા જ રાખ્યું છે.