ચોથું નોરતું : સૂર્યની સમાન દૈદિપ્યમાન છે દેવી માતા કૂષ્માંડાનું સ્વરૂપ

- text


દેવીના એક હાથમાં સુરાથી ભરેલો અને રક્તથી લથપથ કળશ છે

બ્રહ્માંડની રચના કરી હોવાથી આદિસ્વરૂપા અને આદિશક્તિ તરીકે ઓળખાતા કૂષ્માંડા માતા

મોરબી : નવરાત્રીના ચોથા દિવસે દેવી કૂષ્માંડાના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કૂષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. માતા રોગમુક્તિ, દુ:ખમુક્તિ, શોકમુક્તિ, ભયમુક્તિ કરાવે છે. આ દેવીનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં હોવાનું મનાય છે. પરિણામે તેમના સ્વરૂપની ક્રાંતિ અને પ્રભા સૂર્યની જેમ દૈદિપ્યમાન છે. તેમના તેજથી દશે દિશાઓ આલોકિત છે.

કૂષ્માંડા માતાનું સ્વરૂપ

માતાનું કૂષ્માંડા સ્વરૂપ આહલાદક મનોહર છે. મા હંમેશા મલકતા મુખડે જોવા મળે છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને આઠ ભુજાઓ છે, એટલે તેમને અષ્ટભુજા કહેવાય છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે. કળશ સુરાથી ભરેલો અને રક્તથી લથપથ છે. આઠમાં હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓને દેનારી જપમાળા છે. આ દેવીનું વાહન સિંહ છે. કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ ધરાવે છે.

કૂષ્માંડા માતાની કથા 

- text

પૌરાણિક કથાઓ અનુસાર કુષ્માંડા દેવીએ પોતાના ઉદરથી અંડ અર્થાત્ બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. તેને લીધે દુર્ગાના આ સ્વરૂપનું નામ કુષ્માંડા પડ્યું. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે આ દેવીએ જ બ્રહ્માંડની રચના કરી હતી. જ્યારે ચારે તરફ અંધકાર હતો ત્યારે માતા કુષ્માંડાએ પોતાના મંદ સ્મિતની છાયા ફેલાવીને સૃષ્ટિની રચના કરી હતી. માતાના સ્મિતથી સમગ્ર બ્રહ્માંડ પ્રકાશિત થઈ ગયું. આ પછી માતાએ સૂર્ય, ગ્રહો, તારાઓ અને તમામ આકાશગંગાઓ પણ બનાવી.

એવું માનવામાં આવે છે દેવીએ સમગ્ર પૃથ્વીના પદાર્થો તથા જીવોની ઉત્પતિ કરી હતી તથા તેમણે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને ત્રિદેવી એટલે કે કાલી, લક્ષ્મી અને સરસ્વતી ઉત્પન કર્યા હતા. તેથી, માતાને આદિસ્વરૂપા અને આદિશક્તિ પણ કહેવામાં આવે છે. મા કુષ્માંડાને પૃથ્વી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

- text