મોરબી પાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ને હડતાળ

- text


સ્વચ્છતા એજ સેવા ઝુંબેશ અને નવરાત્રીના તહેવાર સમયે જ સફાઈ કર્મીઓની હળતાલથી ગંભીર અસર થશે

મોરબી : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓ દ્વારા પડતર પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજથી મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓએ પડતર પ્રશ્ને હડતાળ ઉપર ઉતરી જતા સ્વચ્છતા એજ સેવા ઝુંબેશ અને નવરાત્રીના તહેવાર દરમિયાન જ સફાઈ બાબતને ગંભીર અસર પહોંચવાની શક્યતા જોવાઈ રહી છે.

મોરબી નગરપાલિકાના 300થી વધુ રોજમદાર સફાઈ કર્મીઓ દ્વારા કાયમી કરવા સહિતની માંગણી સાથે આંદોલનનું એલાન કરવામાં આવ્યું હતું. તા.16થી આંદોલનના મંડાણ થયા બાદ અખિલ ભારતીય મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓને કાયમી કરવા, સફાઈ કર્મીઓને લઘુતમ વેતન ચૂકવવામાં આવે, ચાલુ ફરજ દરમિયાન કારણ વગર 27 કર્મીઓને ફરજ પરથી ઉતારી નાખ્યા હોય એમને ફરજ પર પરત લેવા, સફાઈ કર્મીઓને હાજરી કાર્ડ, પગાર સ્લીપ, ઓળખકાર્ડ આપવામાં આવે તેવી માંગ સાથે નગરપાલિકા ખાતે સફાઈ કર્મીઓએ હડતાળ શરૂ કરી છે.

વધુમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વહીવટીદાર એન.કે.મુછાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ સફાઈ કર્મીઓના પ્રશ્નો સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ અંગે ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ જણાવ્યું હતું કે, સફાઈ કર્મીઓને બે માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. જેમાં છુટા કરેલા સફાઈ કર્મીઓને ક્યાં કારણોસર છુંટા કર્યા તે જાણીને યોગ્ય કાર્યવાહી કરાશે. જ્યારે આ સફાઈ કર્મીઓને કાયમી કરવાની સતા અમારી પાસે નથી. લઘુતમ વેતન ચૂકવવા માટે પાલિકાની તિજોરીને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જો કે સફાઈ કર્મચારીઓની લડત હાલમાં મક્કમ પણે ચાલી રહી હોય સ્વચ્છતા એજ સેવા ઝુંબેશને અસર પડે તેમ મનાઈ રહ્યું છે.

- text

- text