મોરબી જિલ્લામાં પાછોતરા વરસાદથી કપાસનો સોથ વળી ગયો

- text


સુકારો આવી જતા ધરતીપુત્રોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો

મોરબી : મોરબી જિલ્લાના અનેક ગામોમાં કપાસના પાકને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને દોઢ મહિના બાદ પડેલા પાછોતરા વરસાદથી કપાસના પાકમાં સુકારો નામનો રોગ આવી જતા કપાસનો પાક સુકાઈ ગયો છે અને ધરતીપુત્રોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતો બેહાલ થયા છે.

- text

મોરબી જિલ્લામાં ટંકારા, મોરબી, વાંકાનેર, માળીયા અને હળવદ તાલુકામાં કપાસમાં સુકારો આવવાની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે મોરબી તાલુકાના બિલિયા, બગથળા, નાની વાવડી સહિતની ગ્રામ્ય વિસ્તારોની પટ્ટીમાં કપાસનો પાક સુકાઈ ગયો છે. આ ગામોના ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ વખતે શરૂઆતમાં મેઘરાજાએ અપાર હેત વરસાવ્યું હતું. આથી ખેડૂતોએ દવા, બિયારણ સહિતનો મોટો ખર્ચો કરીને કપાસનું મોટાપાયે વાવેતર કર્યું હતું. પણ પાછળથી મેઘરાજાએ મન મુકીને વરસવામાં કંજુસાઈ કરતા છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી વરસાદ થયો જ ન હતો. આથી કપાસના પાકની નીચે જમીન સુકાઈ ગઈ હતી અને કપાસના મૂળિયાને મોટી અસર થઈ હતી. જ્યારે વરસાદની જરૂર હતી ત્યારે વરસાદ થયો નહિ અને પાછળથી વરસાદ પડતાં ઝીંડવાથી લૂમેઝૂમે કપાસના તૈયાર પાકમાં સુકારો નામનો રોગ આવી જતા કપાસનો પાક બગડી ગયો છે. કપાસના ડોડવા ફુગાઈ જતા કપાસનો પાક નકામો થઈ ગયો છે અને ખેડૂતોને નફાની વાત તો બાજુએ રહી પણ કપાસના વાવેતરમાં કરેલો ખર્ચો પણ માથે પડ્યો છે. આથી સરકાર ખેડૂતોને યોગ્ય મદદ કરે તેવી માગણી પણ કરી છે.

- text