મોરબી જિલ્લામાં જમીન પચાવનાર ભુમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરાશે

- text


પ્રભારી મંત્રીની હાજરીમાં યોજાયેલ જિલ્લા સંકલનમાં લેવાયો નિર્ણય 

મોરબી : મોરબીમાં આજે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલમ સમિતિને બેઠક યોજાઇ હતી. જેમાં ખાસ કરીને પ્રભારી મંત્રીએ ખેડૂતો સહિતના લોકોની જમીન પચાવી પાડનાર ભુમાફિયાઓને કોઈ કાળે બક્ષવામાં નહિ આવે, આવા ભુમાફિયા સામે કડક કાર્યવાહી કરવાની એસપીને તાકીદ કરવામાં આવી છે.

પ્રભારી મંત્રીએ આયોજન હેઠળના વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ ના વિવિધ કામોની સમીક્ષા કરી હતી. મંત્રીએ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, શક્ય હોય ત્યાં સુધી કોઈ કામ આગળ ન ખેંચાય તેની તકેદારી રાખે અને આગળ ખેંચેલા કામ સત્વરે પૂરા કરે. ઉપરાંત કોઈ કામ બદલવાની જરૂર પડે તો સત્વરે સક્ષમ અધિકારીની મંજૂરીથી કામ બદલી નાખે. મંત્રીએ પ્રગતિ હેઠળના, પૂર્ણ થયેલા તેમજ શરૂ ન થયેલા કામોની સમીક્ષા કરી જણાવ્યું હતું કે, સરકારની કોઈપણ ગ્રાન્ટ પેન્ડિંગ ન રહે તેની અધિકારીઓ ખાસ તકેદારી રાખે.

મોરબી જિલ્લામાં ખેડૂતોની જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો બાબતે મંત્રીએ જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિ કરી નાના ખેડૂતોને દબાવવાના પ્રયાસો કરતાં અસામાજિક તત્વોને બક્ષવાના નથી તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

મંત્રીએ જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પીજીવીસીએલ, ખેતી, આંગણવાડીઓ વગેરેની કામગીરીની સમીક્ષા કરી જિલ્લામાં થતા કામોમાં ગુણવત્તા જળવાય, તમામ કામો સામૂહિક જવાબદારીથી થાય અને મોરબી સાથે સમગ્ર ગુજરાત જીડીપીની સાથે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પણ આગળ વધે તે માટે યોગ્ય કામગીરી કરવા તમામ અધિકારી/કર્મચારીઓને જણાવ્યું હતું.

- text

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીન, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેશીયા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિત જિલ્લાના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text