મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ

- text


મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના એકમ અંતર્ગત આજે 29 સપ્ટેમ્બરના રોજ કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન તથા સ્વચ્છતા જાગૃતિ સંદર્ભની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા સંદર્ભના આ રાષ્ટ્રીય કાર્યક્રમને સ્થાનિક સ્તરે સફળ બનાવવા માટે આ કોલેજના એનએસએસ એકમ દ્વારા સ્વયં સેવકોના બે અલગ જૂથ પાડીને સ્વયંસેવક ભાઈઓ દ્વારા કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા સંદર્ભે શ્રમ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જે અંતર્ગત બિલ્ડીંગ અંદરના ચોગાનમાં આવેલ જગ્યામાંથી ઘાસ અને નકામા છોડનો કચરો વીણીને, કાપીને, ખોદીને દૂર કરવામાં આવ્યા હતા. આ ચોગાનમાં વાવવામાં આવેલ વૃક્ષો સારી રીતે વિકસે તથા નવા વૃક્ષો વાવી શકાય તે પ્રકારની જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોલેજ બિલ્ડીંગ સામેના ભાગમાં આવેલી વૃક્ષોની મુખ્ય હારમાંથી નકામું ઘાસ અને કચરો દૂર કરી વૃક્ષોના ખામણા કરવામાં આવ્યા હતા. આમ સ્વયંસેવક ભાઈઓના જૂથ દ્વારા સ્વચ્છતાની અને પર્યાવરણની ગંભીરતાને ધ્યાને લઈ મહેનતપૂર્વક અને આયોજનબદ્ધ શ્રમ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિમાં ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતા અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની મહેનત અગ્રેસર રહી હતી.

સ્વયંસેવિકા બહેનોના બીજા જૂથ દ્વારા સર્વોદય એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આ સમગ્ર કેમ્પસની ફરતે આવેલી વિવિધ સોસાયટીઓમાં સ્વચ્છતા જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. એન.એસ.એસ. એકમ અને કોલેજના બેનર સાથે નીકળેલી આ રેલીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બાધિત કરવો તે મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. આ સંદર્ભે પ્લાસ્ટિકનો ઉપયોગ બાધિત કરવા માટે સ્વયંસેવિકા બહેનોએ જુદા જુદા સુત્રો ધરાવતા હેન્ડબોર્ડ ધારણ કર્યા હતા. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં ફરીને આ રેલી દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગને બાધિત કરવા માટે સૂત્રાત્મક નારાઓનો નાદ સાતત્ય પૂર્ણ કરવામાં આવ્યો હતો

પ્રોગ્રામ ઓફિસર પ્રા. આર. કે. વારોતરીયા દ્વારા આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનું પ્રસ્થાન પ્રિન્સિપાલ પ્રા. કે. આર. દંગી તથા કોલેજ સ્ટાફ દ્વારા કરાવવામાં આવ્યું હતું. સમગ્ર રેલીમાં પ્રા. જે. એમ. કાથડ સાથે રહ્યા હતા.

- text

- text