મોરબીના નાગડાવાસમાં મહિલા વનપાલ ઉપર હુમલો કરવા મામલે બે વિરુદ્ધ ફરિયાદ 

- text


ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ 

મોરબી : મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા પાસે ગઈકાલે ગુજરાત ગેસ કંપનીના માણસો વૃક્ષો કાપે છે તેવી ફરિયાદ કરી બનાવ સ્થળે મોરબીના મહિલા વનપાલને બોલાવી જુના નાગડાવાસના બે શખ્સોએ મહિલા વનપાલનો મોબાઈલ પડાવી લઈ હિચકારો હુમલો કરતા આ ગંભીર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના સમયે મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા પાસે ગુજરાત ગેસના માણસો વૂક્ષો કાપે છે તેવી ફરિયાદ કરી આરોપી વસંતભાઇ રાઠોડ અને જયેશભાઇ ગગુભાઇ મિયાત્રાએ ફરિયાદ કરતા મોરબી વન વિભાગમાં વનપાલ તરીકે નોકરી કરતા સોનલબેન નાનુભાઇ શીલુ બનાવ સ્થળે ગયા હતા. જો કે, બનાવ સ્થળે કોઈ વૃક્ષ કાપવામાં ન આવ્યા હોવા છતાં આરોપીઓએ ગુજરાત ગેસના માણસોએ વૃક્ષ કાપ્યા છે તેવું લેખિતમાં આપવા દબાણ કરી ગુજરાત ગેસનુ કામ કરતા માણાસોને ગાળો આપતા સોનલબેને મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.

- text

વધુમાં વનપાલ સોનલબેન મોબાઇલમા વિડીયો ઉતારતા હોવાથી આરોપી જયેશભાઇ ગગુભાઇ મિયાત્રાએ મોબાઇલ પડાવવા જતા સોનલબેને મોબાઇલ નહી આપતા તેમને ગળાના ભાગે તથા વાસાના ભાગે ઢીકા મારી મુંઢ ઇજા પહોંચાડી આરોપી વસંત રાઠોડે છુટો પથ્થરનો ઘા મારી ડાબા પગના ઢીચણના ભાગે મુંઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે સોનલબેને મોરબી તાલુકા પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ હુમલો કરી ફરજમા રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 323,332,504 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text