મોરબીમાં ગણપતિ મહોત્સવની તૈયારીનો ધમધમાટ, દરેક વિસ્તારમાં નાના મોટા ગણેશ ઉત્સવના આયોજન

- text


બહારના ખાસ કારીગરો ગણપતિની મૃતિઓને આખરી ટચ આવવામાં વ્યસ્ત

મોરબી : શ્રાવણ માસ હવે પૂરો થઈ રહ્યો હોય આથી ભગવાન શિવ બાદ દુંદાળા દેવની આરાધના શરૂ થશે. ભગવાન શિવના જ પનોતા પુત્ર અને દરેક શુભ કાર્યોમાં પ્રથમ પૂજાતા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશની આરધાના કરવાનું મંગલમય પર્વ એટલે ગણેશ મહોત્સવ આગામી તા.19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો હોય ત્યારે મોરબીવાસીઓ તન મન ધનથી ગૌરીનંદનની પૂજા અર્ચના કરવા માટે અધીરા બન્યા છે. ગણેશ મહોત્સવને લઈને સમગ્ર મોરબી ગણેશમય બની જશે. જો કે હવે કોરોનાનું નામોનિશાન જ ન હોવાથી અગાઉની જેમ દરેક વિસ્તારમાં નાનાથી માંડીને ગણેશ મહોત્સવના ભવ્ય આયોજન થયા છે અને ગણપતિ બાપા મોરિયાના નાદ અને વાજતે ગાજતે તેમજ અબીલ ગુલાલની છોળો સાથે દરેક વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરાશે અને સમગ્ર ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ ભક્તિસભર કાર્યકમો યોજાશે

મોરબીમાં ગણેશ મહોત્સવને લઈને અત્યારથી લોકો ગણેશ મહોત્સવની તૈયારીઓમાં લાગી ગયા છે. દરેક વિસ્તારમાં ગણેશજીના નાનાથી માંડીને ભવ્ય પંડાલો નાખવામાં આવશે. ગણેશજીના ભવ્ય આયોજનમાં રોશનીનો શણગાર સાથે વૈવિધ્ય સભર આકર્ષણો જમાવશે. સાથે પૂજા અર્ચના,લાડુનો ભોગ, રાસ ગરબા સહિતના કાર્યક્રમો સાથે દસ દિવસ સુધી ગણપતિ દાદાના ગુણગાન ગવાશે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી બહારના ખાસ કારીગરો મોરબીમાં પડાવ નાખીને ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે. જેમાં ચોટીલા, રાજસ્થાન, વાંકાનેર, કરછ, જામનગર બાજુના કારીગરો ગણપતિની વિવિધ મૂર્તિઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. આવા જ એક રાજસ્થાનના કારીગર ધનરાજભાઈ કહે છે કે, 1 ફૂટથી 5 ફૂટ સુધીની 500 જેટલી મૂર્તિઓ બનાવી છે. છેલ્લા છ મહિનાથી મોરબીમાં આવીને મૂર્તિઓ બનાવવાની મહેનત કરી રહ્યા છીએ.

આ વખતે અંદાજે 30 હજાર જેટલી વિવિધ મૃતિઓ વેચાશે

મોરબીના સરદાર બાગ પાસે ગણેશજીની મૂર્તિઓનું વેચાણ કરતા રમેશભાઇએ જણાવ્યું હતું કે, 50 રૂપિયાથી માંડીને 15 હજાર રૂપિયાની મૂર્તિઓ ઉપલબ્ધ છે. આ વખતે અંદાજે 30 હજાર જેટલી વિવિધ મૃતિઓ વેચવાનું અનુમાન છે. ગયા વર્ષ કરતા આ વખતે મૂર્તિઓ વધશે. પણ મૃતિઓનો ભાવ નોર્મલ રહેશે. 1 ફૂટથી 8 ફૂટની દુંદાળા દેવની વૈવિધ્યસભર મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. અનેક અવતારમાં મૂર્તિઓ બની રહી છે. જેમાં ભગવાન વિષ્ણુ, શેષનાગ અવતારની મૂર્તિઓ બની રહી છે.

- text

પીઓપીની સાથે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની જબરી ડિમાન્ડ

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પીઓપીની સાથે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની જબરી ડિમાન્ડ રહી છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પોલ્યુશન મુક્ત હોય છે. જ્યારે પીઓપીની મૂર્તિઓનું વિસર્જન થઈ શકતું નથી. એની જગ્યાએ ઇકો મૃતિઓ ઘરમાં વિસર્જન કરીને તુલસી જેવા છોડ ઉગાડી શકાય છે. આથી આ ઇકો મૂર્તિઓ બજારમાં પણ ઉપલબ્ધ છે અને ઘણા લોકો ઘરે માટીના ગણપતિ બનાવીને સ્થાપના કરે છે. એટલે ઇકો મૂર્તિઓ બજારમાં વેચાય રહી છે. ગણપતિ મહોત્સવને હવે એક અઠવાડિયાની વાર હોય ઘણા સ્ટોલ નાખવામાં આવ્યા છે. જો કે મૂર્તિઓનું હજુ સુધી જોઈએ તેવું બુકિંગ થયું નથી. પણ હવે ગણપતિ મહોત્સવ જેમ નજીક આવશે તેમ ડિમાન્ડ વધશે અને પંડાલો નાખવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

- text