-238 ડિગ્રી તાપમાન સાથે ચંદ્રમાં ઉપર રાત પડી ! લેન્ડર અને રોવર સ્લીપ મોડમાં મુકાયા 

- text


હવે 14 દિવસ બાદ ચંદ્ર ઉપર સૂર્યોદય થાય ત્યારે ફરી લેન્ડર-રોવરને કામગીરી માટે ફરી જગાડવા પ્રયાસ કરાશે 

મોરબી : ભારતે ચંદ્ર પર ઉતારેલા ચંદ્રયાન 3ના રોવર પ્રજ્ઞાને તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે ત્યાં રાત પડી રહી હોવાથી તે સ્લીપ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે. ચંદ્ર પર રાતના સમયે તાપમાન શૂન્યથી ઘણું નીચે એટલે કે માઇનસ 238 ડિગ્રી સુધી જતું રહે છે જેના કારણે આટલા ઠંડા વાતાવરણમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ટકી શકે છે કે નહીં તે જોવાનું રહે છે. પ્રજ્ઞાનને જે યોજના સાથે મોકલવામાં આવ્યું હતું તે સફળ થયું છે અને થોડા દિવસો પછી ફરી તેને સક્રિય કરવા માટે ઈસરો પ્રયાસ કરશે. જોકે, ચંદ્રના સાઉથ પોલ પર ફરી સૂર્યોદય થશે ત્યારે રોવર અને લેન્ડર બરાબર કામ કરી શકશે કે નહીં તે નક્કી નથી. સામાન્ય રીતે અત્યંત નીચા તાપમાનમાં દિવસો સુધી રહેવાના કારણે રોવર અને લેન્ડરના ઉપકરણો ખરાબ થઈ જતા હોય છે.

- text

ઈસરોએ એક ટ્વિટ કરીને જણાવ્યું કે રોવરે તેનું એસાઈનમેન્ટ પૂર્ણ કર્યું છે. હવે તેને સુરક્ષિત રીતે પાર્ક કરી દેવાયું છે અને તે સ્લીપ મોડમાં જતું રહ્યું છે. તેના APXS અને LIBS પેલોડને બંધ કરી દેવાયા છે. આ પે લોડ પરનો ડેટા લેન્ડર દ્વારા પૃથ્વી પર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. વધુમાં ઈસરોએ જણાવ્યું હતું કે, પ્રજ્ઞાન રોવરની બેટરી ફુલ ચાર્જ કરવામાં આવેલી છે અને તેની સોલર પેનલને એવી રીતે ગોઠવવામાં આવી છે જેથી હવે સૂર્યોદય થાય ત્યારે સૂર્યના કિરણો સીધા તેના પર પડશે. આગામી સૂર્યોદય લગભગ 20 દિવસ પછી 22 સપ્ટેમ્બર 2023ના રોજ થશે. રોવરનું રિસિવર ચાલુ છે અને આગામી દિવસોમાં તેને ફરીથી જગાડવા માટે ઈસરો પ્રયાસ કરશે. જો તેમાં સફળતા નહીં મળે તો આ રોવર ચંદ્ર પર ભારતના દૂત તરીકે હંમેશા માટે ત્યાં રોકાશે.

- text