રેન્જ આઈજીનો મોરબીમાં ત્રણ દિવસનો પડાવ, પોલીસની કામગીરીની સમીક્ષા 

- text


ઉદ્યોગકારો, પદાધિકારીઓ અને આગેવાનોએ ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ઉઠાવતા તેઓએ સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવા આપી સૂચના : આઈજીએ સીટની કામગીરીની સરાહના કરી 

મોરબી : રાજકોટ રેન્જ આઈજીએ મોરબીમાં ત્રણ દિવસનો પડાવ નાખી જિલ્લા પોલીસની સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ તેઓએ ઉદ્યોગકારો, પદાધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક કરતા ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ઉઠ્યો હતો. જેથી તેઓએ સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવા સૂચના પણ આપી હતી.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે ઇન્સ્પેકશન માટે મોરબી એસપી કચેરી ખાતે ત્રણ દિવસથી મુકામ કર્યો છે. જેમાં રેન્જ આઈજીએ મોરબી સહિત રાજકોટ રેન્જના પાંચેય જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ કરી હતી અને મોરબી જિલ્લા સહિત પાંચેય જિલ્લાના ક્રાઈમની સમીક્ષા કરી હતી. જેમાં દરિયાઈ સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ હતી. સાથે તહેવારો નિમિતે સુરક્ષા વધારવા તેમજ પોલીસને સતર્ક રહેવા જણાવાયું હતું. આ ઉપરાંત સી ટીમની કામગીરી ઉપર ભાર મુક્યો હતો.

વધુમાં રેન્જ આઈજીએ મોરબી જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરી હતી. જુદા જુદા વિભાગો અને પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેઓએ ઉદ્યોગકારો, આગેવાનો અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના હોદેદારો પણ જોડાયા હતા.

આ વેળાએ આગેવાનોએ ટ્રાફિકનો પ્રશ્ન મુખ્ય હોય અવારનવાર સર્જાતા ટ્રાફિકથી હાલાકી સર્જાતી હોવાનું જણાવ્યું હતું. આ સાથે દબાણોનો મુદ્દો પણ ઉઠ્યો હતો. આ મામલે રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે તમામવા પ્રયત્નો કરાશે. આ માટે તેઓએ જિલ્લા પોલીસને સૂચના પણ આપી હતી. આ સાથે રેન્જ આઈજીએ દબાણ મામલે જ્યાં જ્યાં પાલિકાને સહકારની જરૂર હશે ત્યાં પોલીસ સાથે રહેશે તેવું જણાવ્યું હતું.

રેન્જ આઈજીએ કહ્યું કે ઉદ્યોગકારોના ફસાયેલા નાણા પરત મેળવવા સીટની રચના કરવામાં આવી છે. જેને ફસાયેલા રૂ. 20 કરોડ જેટલા નાણા માટેની અરજી આવી છે. જેમાંથી અઢીથી રૂ. ત્રણ કરોડની રિકવરી થઈ ગઈ છે. બાકીની રૂ. 5થી 6 કરોડની રિકવરી પ્રોસેસમાં છે. તે આગામી સમયમાં થઈ જશે. તેઓએ સીટની કામગીરીને બિરદાવી હતી. ઉપરાંત મોરબી જિલ્લાની ઓવરઓલ કામગીરીને તેઓએ બિરદાવી હતી.

- text

- text