મોરબીમાં એસીના કોપર પાઇપ ચોરતી ગેંગનો તરખાટ, ફરી છ દુકાનો નિશાન બનાવી 

- text


લાંબા સમયથી માત્ર એસીના કિંમતી ત્રામ્બાના પાઇપની ચોરી કરતા તસ્કરોને પકડવામાં પોલીસના હાથ ટૂંકા પડ્યા 

મોરબી : મોરબીમાં અવાર નવાર કિંમતી એસીના ત્રામ્બાના પાઇપની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે અને સમયાંતરે એક સાથે અનેક દુકાનોને નિશાન બનાવે છે છતાં પણ એક પણ વખત આ તસ્કરો પોલીસની ઝપટે ચડ્યા ન હોય ગત રાત્રીના શનાળા રોડ ઉપર આવેલ પટેલ શોપિંગમાં છએક દુકાનોને નિશાન બનાવી નિશાચરો ત્રામ્બાના પાઇપની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટની બાજુમાં જ આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં તસ્કરોએ એક સાથે છ જેટલી દુકાનોનાં એરકંડિશનરના આઉટર યુનિટથી ઇન્ડોર સુધી પહોંચતા કોપર પાઇપની ચોરી કરી જતા વેપારીઓમાં દેકારો બોલી ગયો છે. તસ્કરોએ એક સાથે છ દુકાનોના એસીના ત્રામ્બાના પાઇપ ચોરી જતા અંદાજે કુલ મળીને 30 હજાર જેટલી માલમતાની ચોરી થઇ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર તેમજ બીજા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં તેમજ રામચોકમાં આવેલા બાલાજી કોંપ્લેક્સની અનેક દુકાનો ઓફિસોને નિશાન બનાવી તસ્કરો એસીના ત્રામ્બાના પાઇપ ચોરી કરી ગયા હતા પરંતુ હજુ સુધીમાં પોલીસ આવા કોપર પાઇપ ચોરીના મૂળ સુધી પહોંચી શકી નથી.

- text

- text