135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ કેસમાં હાલના તબક્કે સરકારી વકીલ જ નહીં !!

- text


ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે એસ.કે.વોરાના રાજીનામાં બાદ નવા સ્પેશિયલ પી.પી.ની નિમણુંક વિષે નામદાર મોરબી કોર્ટે જવાબ માંગ્યો

મોરબી : મોરબીમાં ઓક્ટોબર-2022માં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટનામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રાજકોટના એસ.કે.વોરાની નિમણુંક બાદ કામના ભારણને લઇ તેઓએ રાજીનામુ આપ્યા બાદ અંદાજે એક મહિનાનો સમય વીતવા છતા નવા સ્પેશિયલ પીપીની નિમણુંક ન થઇ હોય આજે કોર્ટમાં આ કેસની મુદત દરમિયાન નામદાર કોર્ટે ડીજીપીને નવા સ્પેશિયલ પીપી કોણ ? ક્યારે નિમણુંક કરવામાં આવી કે કરાશે ? સહિતના સવાલો ઉઠાવતા સરકારી વકીલ દ્વારા રાજ્યના કાયદા વિભાગને આ મામલે પત્ર લખવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ નામદાર મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં મોરબીની ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસની તારીખ હતી, જો કે, 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ કેસમાં સ્પેશિયલ પીપી તરીકે નિમણુંક થયેલા રાજકોટના એસ.કે.વોરાએ રાજીનામુ આપી દીધા બાદ આજરોજ નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટમાં આ કેસમાં 302ની કલમ ઉમેરવા સહિતની બાબતોને લઈ મુદત હોય નામદાર જજ સાહેબ દ્વારા ડીજીપી સમક્ષ સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટરને લઈ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બીજી તરફ મોરબી કોર્ટના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું કે, કાયદા વિભાગ દ્વારા આ કેસમાં રાજીનામુ મંજુર કરાયું છે કે કેમ ? નવા સ્પેશિયલ પીપીની નિમણુંક કરવામાં આવી છે કે કેમ તે સહિતની બાબતોને લઈ રાજ્યના કાયદા વિભાગમાં પત્ર લખવામાં આવી રહ્યો છે. વધુમાં આ ચકચારી કેસમાં નામદાર મોરબી કોર્ટ દ્વારા આગામી તા.5 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી માટે મુદત આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text

- text