હળવદના રાતાભેરમાં દાનપેટી ચોરનાર શખ્સ ચોરાઉ રીક્ષા સાથે ઝડપાયો 

- text


આરોપીએ અગાઉ રાજકોટ તેમજ મોરબીમાં જુદી જુદી સાત જેટલી ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

હળવદ : હળવદ પોલીસે હળવદ,મોરબી તેમજ રાજકોટમાં જુદી જુદી સાત ચોરીના ગુનાને અંજામ આપનાર ટંકારા તાલુકાના વાઘગઢ ગામના શખ્સને ઝડપી લઈ ચોરાઉ બાઈક તેમજ રિક્ષા કબજે કરી તાજેતરમાં જ હળવદના રાતભેર ગામે થયેલ દાનપેટીની ચોરીનો ભેદ ઉકેલી નાખી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ રાતાભેર ગામ નજીક સીએનજી રીક્ષા લઇ પસાર થઈ રહેલ જીતુભાઈ ગોવિંદભાઈ પરમાર રહે વાઘગઢ તા.ટંકારાનો શખ્સ શંકાસ્પદ જણાતાં પોલીસ દ્વારા તેને અટકાવી તપાસ કરાતા પોલીસની તપાસમાં આ રીક્ષા ચોરીની હોય અને આરોપીઓએ આ રીક્ષા રાજકોટ શહેરમાં આવેલ ભગતસિંહ ચોક પાસે આવેલ ગ્રાઉન્ડમાંથી રીક્ષા ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસ દ્વારા આરોપીને હળવદ પોલીસ મથકે લઈ આવી વધુ પૂછપરછ કરાતા તેને હળવદ શહેરની દેના બેન્ક પાસેથી પણ એક બાઈક ચોર્યાની કબુલાત આપી હતી જેથી પોલીસે બાઈક અને રીક્ષા કબજે લીધી હતી.

- text

પોલીસની વધુ પૂછપરછમાં આરોપી સામે અગાઉ મોરબી સિટીમાં ત્રણ ગુના તેમજ રાજકોટ સિટીમાં ત્રણ ગુના નોંધાયેલ હોવાનું પણ સામે આવ્યું છે. વધુમાં આ શખ્સ દ્વારા રાતાભેર ગામે જાહેર રોડ ઉપર દુકાન બહાર લગાવેલ દાન પેટી પણ ચોરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ હળવદ પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમા હળવદ પીઆઇ કે.એમ છાસિયા,પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ સોલગામા,ભરતભાઈ આલ,દેવેન્દ્રસિંહ ઝાલા,તેજપાલસિહ ઝાલા,બીપીનભાઈ પરમાર તેમજ કમલેશભાઈ પરમાર તથા લીંબાભાઇ રબારી રોકાયેલ હતા.

- text