મોરબીના મહેન્દ્રનગરના વિસ્તારોમાં દુષિત પાણી પ્રશ્ને ડીડીઓને રજુઆત

- text


ડીડીઓએ રજુઆતને પગલે સ્થાનિકોને શુદ્ધ પાણી વિતરણ કરવાની સૂચના આપી

મોરબી : મોરબીના મહેન્દ્રનગરની પ્રભુકૃપા ટાઉનશિપ અને સોમનાથ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ગટર જેવું દુર્ગંધયુક્ત આવતું હોય રહીશો ઉપર આરોગ્યનું જોખમ ઉભું થયું હતું. ગ્રામ પંચાયતને અનેક રજુઆત છતાં શુદ્ધ પાણી ન મળતા અંતે સ્થાનિકોએ આજે ડીડીઓ સમક્ષ પાણીની લાઈનનું કામ જે કોન્ટ્રાક્ટર દ્વારા કરાયું હતું તે નબળું કરાયું હોય કામનું પેમેન્ટ અટકાવવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ ડીડીઓએ પીવાના પાણીનો પ્રશ્ન ઝડપથી હલ થાય તેવી કડક સૂચના આપી છે.

- text

મોરબીના મહેન્દ્રનગર ગ્રામ પંચાયત હસ્તકની પ્રભુકૃપા ટાઉનશિપ અને સોમનાથ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગટર જેવું અતિશય દુર્ગંધવાળુ પાણી આવી રહ્યું છે. દૂષિત પાણી પીવામાં તો ઠીક વાપરવામાં પણ ઉપયોગ લઈ શકાય એમ નથી. ગટર જેવા દૂષિત પાણી વિતરણને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત હોવાથી થોડા સમય અગાઉ દૂષિત પાણીની મહેન્દ્રનગર ગ્રામ પંચાયતને રજૂઆતો કરી હતી. પણ ગ્રામ પંચાયતે આ પાણી પ્રશ્ન હલ કરવાની કોઈ તસ્દી ન લેતા અને બીજી તરફ 15 દિવસથી દૂષિત પાણી આવતું હોય આ સમસ્યા ગંભીર બનતા આજે સ્થાનિક રહોશોનું ટોળું કલેક્ટર કચેરીએ દોડી ગયું હતું. પણ કલેક્ટર હાજર ન હોવાથી સ્થાનિક રહીશોએ ધારાસભ્ય અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ગંદા પાણી વિતરણથી આરોગ્યને થતા નુકસાનની હૈયાવરાળ ઠાલવી હતી અને ડીડીઓ સમક્ષ સ્થાનિક રહીશોએ પાણીની લાઈનનું કામ જે કોન્ટ્રાક્ટર દ્વારા કરાયું હોય નબળું હોવાથી કામનું પેમેન્ટ અટકાવવા તેમજ શુદ્ધ પાણી વિતરણ કરવાની માંગ કરી હતી. આથી ડીડીઓએ તલાટી કમ મંત્રીને બોલાવી આ સમસ્યા હલ કરી શુદ્ધ પાણી વિતરણ કરવાની સૂચના આપી હતી.

- text