મચ્છુ હોનારતની 44મી વરસીએ મૌન રેલી સાથે દિવગંતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અપાઈ

- text


પાલિકા દ્વારા આજે મચ્છુ જળ હોનારતની દુર્ઘટના સમયે 21 સાયરન વગાડાયા : મૌન રેલી બાદ મણીમંદિર સ્થિત સ્મૃતિ સ્તંભ ખાતે, અધિકારીઓ, પદાધિકારીઓ, સંસ્થાઓના અગ્રણીઓ તેમજ શહેરીજનોએ પુષ્પાજંલી અર્પણ કરી

મોરબી : 11 ઓગસ્ટ 1979નો કાળો દિવસ મોરબીવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. આ દિવસે મચ્છુના પુર કાળ બનીને મોરબી પર ત્રાટકયા હતા. જેમાં મચ્છુ ડેમ તૂટ્યાની સાથે મોરબીમાં અકલ્પનિય ભયંકર તારાજી થઈ હતી. હજારો લોકો અને પશુઓ મચ્છુ પુરમાં તણાઈને મોતને ભેટ્યા હતા. આ ગોઝારી જળ પ્રલયની દુર્ઘટનાની આજે 44મી વરસીએ આંસુના પુર વહ્યા હતા. મોરબી પાલિકા દ્વારા જળ પ્રલયની દુર્ઘટનાની આજે 44મી વરસીએ હોનારતના સમય એટલે બપોરે 3-15 વાગ્યે 21 સાયરન વગાડી પ્રથમ સાયરને મૌન રેલી કાઢી મણીમંદિર ખાતે આવેલા હોનારતના મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ ખાતે પહોંચીને અધિકારીઓ, પદાધિકારીઓ, સંસ્થાઓના અગ્રણીઓ તેમજ શહેરીજનોએ પુષ્પાજંલી અર્પણ કરી અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

11 ઓગસ્ટ, 1979ના રોજ સર્જાયેલી મચ્છુ જળ પ્રલયની ગોઝારી દુર્ઘટના વિશ્વની સૌથી મોટી જળ પ્રલયની દુર્ઘટના પૈકીની એક ગણાય છે. 11 ઓગસ્ટ, 1979 ના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ ઉપરવાસના ભારે વરસાદથી મોરબીનો વિશાળકાય મચ્છુ ડેમ તૂટ્યો હતો. આ સાથે જ મચ્છુ ડેમના પાણી યમરાજ બનીને મોરબી શહેર ઉપર તૂટી પડ્યા હતા અને આખું મોરબી જળમગ્ન બની ગયું હતું. એક જ જાટકે મોરબી આખું તબાહ થઈ ગયું હતું. મચ્છુના પૂરે પળવારમાં જ મોરબીને સ્મશાન બનાવી દેતા હજારો લોકો અને સેંકડો પશુઓ મોતની આગોશમાં સમાય ગયા હતા. જાનમાલની ભયાનક ખુવારી થઈ હતી. મચ્છુ જળ પ્રલયની દુર્ઘટના એટલી બધી ભયાનક હતી કે મોરબી શહેરમાં ચારેકોર વિનાશ સિવાય કંઈ બચ્યું ન હતું. આજે પણ મચ્છુ પ્રલયની દુર્ઘટના તાજી થાય ત્યારે પુરગ્રસ્તો એ પુરની ભયાનકતા કાળજું કંપાવી દે છે.

મચ્છુ જળ પ્રલયની દુર્ઘટના બાદ ખુમારી અને જીંદાદિલીથી મોરબીવાસીઓ ફિનિક્સ પંખીની જેમ બેઠા થઈને આપબળે અકલ્પનિય વિકાસ સાધ્યો છે. ખાસ કરીને સીરામીક, ઘડિયાળ સહિતના આપબળે વિકસેલા ઉધોગોને કારણે મોરબીએ આત્મનિર્ભર બનીને ભારત જ નહીં બલ્કે વિશ્વમાં કીર્તિમાનો સ્થાપિત કરી દીધા છે. જો કે બિહામણી સ્મૃતિઓ છોડી જનાર મચ્છુ પ્રલયને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શકયા નથી.

દર વર્ષે મચ્છુ હોનારતની વરસી આવે ત્યારે મોરબીવાસીઓ અચૂક પણ દિવગંતોને શ્રદ્ધાસુમન પાઠવે છે. અને દર વર્ષેની જેમ મોરબી પાલિકા દ્વારા આજે મચ્છુ પ્રલયની 44 વરસીએ હોનારત બન્યાના સમયે પાલિકા દ્વારા 21 સાયરન વગાડવામાં આવ્યા હતા. પ્રથમ સાયરન શરૂ થતાં મોરબી નગરપાલિકા કચેરીએથી મૌન રેલી પ્રસ્થાન થઈ હતી. આ મૌન રેલીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર જી.ટી. પંડ્યા, એસપી રાહુલ ત્રિપાઠી , ડીડીઓ ડી.ડી. જાડેજા, અધિક કલેકટર એન.કે. મુછાર, ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્ય, પશ્ચિમ ક્ષેત્રના સર સંઘચાલાક ડો. જયંતીભાઈ ભાડેસીયા શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા,પ્રદીપભાઈ વાળા, જિલ્લા ભાજપ, શહેર ભાજપના હોદેદારો, કોંગ્રેસના કે.ડી. પડસુમ્બીયા, એલ.એમ. કંજારીયા સહિતના હોદેદારો , આપના પંકજ રાણસરીયા સહિતના હોદેદારો, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો, પાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

હોનારતના દિવગતોને સલામી આપવા માટે 21 સાયરન પુરા થાય તે પહેલાં આ મૌન રેલી મણીમંદિર ખાતે પહોંચી હોનારતના મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ ખાતે નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, રાજનેતા, સામાજિક, સંસ્થાકીય, ઔધોગિક સહિતના તમામ ક્ષેત્રેના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોએ પુષ્પાજંલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

- text

- text