દલવાડી સર્કલ નજીક જોખમી રોડ પ્રશ્ને રહીશોનો ચક્કાજામ

- text


દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધીના રોડમાં રબડીરાજથી સ્થાનિકો વિફર્યા, મહિલાઓ સહિતના લોકોએ નગરપાલિકા હાય હાયના નારા લગાવી છાજીયા લીધા, હજુ પણ તંત્ર યોગ્ય કાર્યવાહી નહિ કરે તો મેઈન રોડને બ્લોક કરી દેવાની ચીમકી આપી

મોરબી : મોરબીના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધીનો રોડ ખખડધજ હોય અને ઉપરથી અત્યારે વરસાદને કારણે આખા માર્ગ ઉપર રબડીરાજ થઈ જતા અનેક લોકો લપસીને બાજુની કેનાલમાં ખાબકતા હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા આજે સ્થાનિક રહીશો વિફર્યા હતા અને સ્થાનિક લોકોએ આ રોડ ઉપર ચક્કાજામ કરી તેમજ મહિલાઓ સહિતના લોકોએ નગરપાલિકા હાય હાયના નારા લગાવી છાજીયા લઈ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને હજુ પણ રોડ ન બને તો મેઈન રોડને ચક્કાજામ કરી દેવાની ચીમકી આપી હતી.

મોરબીના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધીનો માર્ગ અત્યંત જોખમી હોવાની સાથે હાલ ગારા કિચડના થર જમતા દરરોજ લોકો પડતા અખડતાં હોવાથી સ્થાનિક લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને મહિલાઓ સહિતના લોકો રોડ ઉપર ઉતરી આવીને રોડને બ્લોક કરી દીધો હતો. તેથી વાહન વ્યવહાર અટક્યો હતો. મહિલાઓ સહિતના લોકોએ ઉગ્ર આક્રોશ સાથે નગરપાલિકા હાય હાયના નારા લગાવીને છાજીયા લીધા હતા. તેમજ રોડની ખરાબ હાલત વિશે બળાપો ઠાલવ્યો હતો કે, નગરપાલિકાએ પાંચ વર્ષ પહેલાં પ્રધાનમંત્રી આવાસ યોજના બની ત્યારે રોડ બનાવવાનું વચન આપ્યું હતું. તેમજ ચૂંટણી ટાણે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પૂર્વ મંત્રી બીજેશ મેરજાએ આ રોડને નવો બનાવી દેવાનો વાયદો કર્યો હતો અને પાંચ વર્ષથી આ રોડ મંજૂર થઈ ગયો છે છતાં હજુ સુધી રોડ બનાવ્યો નથી. તંત્ર અને નેતાઓ રોડ બનાવવાનો વાયદો આપીને પછી ભૂલી ગયા છે. અત્યારે આ રોડ ઘણા સમયથી ખરાબ છે. ઉપરથી વરસાદ સતત વરસતો હોય રોડ ઉપર ડામર રહ્યો ન હોવાથી રબડીરાજનું સામ્રાજ્ય થઈ ગયું છે. આ રોડ ઉપર દૂર દૂર સુધી ગારા કિચડના એટલા થર જામ્યા છે કે અહીંથી વાહન તો ઠીક ચાલીને પણ નીકળી શકાતું નથી. રોડ ઉપર ચાલીને લોકો નીકળે તો રબડીરાજને કારણે તરતજ લપસીને પડી જાય છે. આ રોડની લગોલગ બાજુમાં કેનાલ આવેલી હોય પણ કેનાલની સલામતીની દીવાલ ન હોવાથી લોકો રોડ ઉપરથી લપટીને સીધા જ કેનાલના ગંદા પાણીમાં ખાબકે છે. દરરોજ વૃદ્ધ માણસો, વિકલાંગ, મહિલાઓ અને બાળકો આ રોડ ઉપરથી કેનાલમાં સીધા જ ખાબકે છે. આથી લોકોના હાથપગ ખોખરા થઈ રહ્યા છે. છતાં નેતા કે તંત્રના પેટનું પાણી હલતું નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના 150થી વધુ બાળકો સ્કૂલે ભણવા માટે આ રબડીરાજ ઉપરથી જાય છે તેથી બાળકો પણ પડી જાય છે. આવી સ્થિતિમાં કોઈ ઇમરજન્સી દર્દીઓને હોસ્પિટલમાં કઈ રીતે લઈ જવો ? આ રબડીરાજથી દર્દનાક યાતના ભોગવવી પડે છે. ગારો કીચડ એટલો છે કે લોકો ગમે તેટલી સાવચેતી રાખે તો પણ પડ્યા વગર રહેતા નથી. એક તબક્કે તો મહિલાઓએ જ્યાં સુધી નવો રોડ ન બને ત્યાં સુધી અહીંથી ન હટવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પણ વાહનો અટકતા હોવાથી થોડીવાર માટે ચક્કાજામ કરીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. હજુ પણ રોડ ન બને તો મેઈન રોડને બ્લોક કરી દેવાની ચીમકી આપી છે.

- text

- text