મોરબીમાં હવે યુરિયા ખાતરની અછત નહિ રહે : ધારાસભ્ય કાંતિલાલ

- text


બે ત્રણ દિવસ ખેડૂતોને સ્ટોક ન કરવા અને ત્યારબાદ જોઈએ તેટલી ખાતરની ગુણીઓ મળશે : ધારાસભ્યની ખાતરી

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતું હોવાની ફરિયાદ સાથે ખેડૂતોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. જેથી માળીયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ખેડૂતોને હાલાકી ન પડે તેવી ખાતર વ્યવસ્થા કરવાની રજુઆત કર્યા બાદ ધારાસભ્ય અમૃતિયાએ જાત તપાસ કરી સરકાર રજુઆત કરીને આ ખેડૂતોનો પ્રશ્ન હલ કરાવ્યો છે. ધારાસભ્ય કાંતિલાલે જણાવ્યું હતું કે, સરકારમાં રજુઆત કરી હોય મોરબી માર્કેટિંગ યાર્ડમાં હવે યુરિયા ખાતરની અછત નહિ રહે અને સાથેસાથે બે ત્રણ દિવસ ખેડૂતોને સ્ટોક ન કરવા અને ત્યારબાદ જોઈએ તેટલી ખાતરની ગુણીઓ મળશે તેવી ખાતરી આપી છે.

મોરબીના માર્કેટ યાર્ડમાં છેલ્લા દસ દિવસ કરતા પણ વધુ સમયથી યુરિયા ખાતરની મોટી તંગીની રામાયણ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ તેમના વાડી ખેતરોમાં વાવણી થઈ ચૂકી છે. હવે જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે પાકની માવજત માટે યુરીયા ખાતરની જરૂર પડે છે. એના માટે ગામડેથી ખેતરે નિંદણ સહિતના કામો પડતા મૂકીને યુરિયા ખાતર લેવા મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આવે છે. પણ અહીંયા જબરી લાઇન હોવાથી દરરોજ સવારે ગામડેથી સવારે 4 કે 5 વાગ્યે ઉઠીને આવવું પડે છે. તેમ છતાં વારો આવી જાય એ નક્કી હોતું નથી. ખેડૂતો મોટી સંખ્યામાં હોય એની સામે જરૂરિયાત કરતા માત્ર પાશેર જ ખાતરનો માલ આવતો હોવાથી ટોકન ઓછા મળતા 3-4 દિવસ સુધી ધક્કા ખાતા અંતે પણ 25 ગુણીની જરૂરિયાત સામે 3-4 ગુણી ખાતર જ મળતું હોય અને આજે પણ ચાર ગાડીને બદલે એક જ ગાડી આવતા ખેડૂતો ઉશ્કેરાયા હતા અને ખેડૂતોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

- text

દરમિયાન આજે માળીયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને જે યુરિયા ખાતર માટે હાલાકી પડે છે તેની વિગતવાર ધારાસભ્ય અમૃતિયાને રજુઆત કરી છે અને તેમણે આ પ્રશ્નનો ઉકેલ માટે જરૂરી ખાતરી આપી છે. એટલે હવે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળશે. પણ ખેડૂતોને જોઈએ તેટલા પ્રમાણમાં જ ખાતર લઈ જવા અને ખાલી ખોટા સ્ટોક ન કરવા જણાવ્યું છે. સામે પક્ષે વીડિયો સંદેશમાં ધારાસભ્ય અમૃતિયાએ પણ જણાવ્યું છે કે, ગઈકાલે ખેડૂતો ખાતર પ્રશ્ને ઉગ્ર આક્રોશ ઠાલવતા હોવાનો વીડિયો જોઈએ તેમની પરિસ્થિતિ પામીને તરતજ સરકારના લગત મંત્રીઓને રજુઆત કરી છે અને ખેડૂતોને ખાતરની અછત ન રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આથી આજે ખુદ તેઓએ માર્કેટિંગ યાર્ડમાં જઈને ખાતર ગુણીઓ આવી ગઈ હોય કાલે સોમવારથી વિતરણ કરશે અને હમણાં બે ત્રણ દિવસ ખેડૂતોને સ્ટોક ન કરવાની અપીલ કરી છે. તેમજ થોડા દિવસોમાં ખાતરની 100 ગાડીઓ આવવાની હોય ખેડૂતોને માંગે એટલી ગુણીઓ મળશે તેવું તેમણે જણાવ્યું છે.

- text