મોરબી મેડીકલ કોલેજમા થયેલ ફી વધારો પાછો ખેંચવા ધારાસભ્યને રજૂઆત

- text


જીએમઈઆરએસ સંચાલિત મેડીકલ કોલેજમાં અસહ્ય ફી વધારાથી વાલીઓ વિદ્યાર્થીઓ ચિંતિત

મોરબી : મોરબીનાં જીએમઈઆરએસ સંચાલિત મેડીકલ કોલેજમાં અસહ્ય ફી વધારો કરવામાં આવતા કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ફી વધારો પાછો ખેંચવા બાબતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજૂઆત કરવામાં આવી હતી.

મોરબી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ રજુઆતમાં જણાવ્યું હતું કે, મેડિકલ અભ્યાસ માટેની ફી ના ધોરણોમાં ખુબજ અસમાનતા જોવા મળે છે,સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં માત્ર થોડા પોઈન્ટનો જ તફાવત હોય છે છતાં વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરવી પડે છે. જેમાં તાજેતરમાં જીએમઆરએસ 13 મેડિકલ કોલેજોની સરકારી કવોટાની 67 % એટલે કે રૂ. 5.50 લાખ જ્યારે મેનેજમેન્ટ કોટાની 88% એટલે કે રૂ. 17 લાખનો અચાનક જ વધારો કરવામાં આવ્યો છે.જેના કારણે બાળકોનું ડોક્ટર બનવાનું સપનું માત્ર સપનું રહી જશે.

વધુમા જણાવાયું હતું કે, ટૂંક સમયમાં ફીની આટલી મોટી રકમની વ્યવસ્થા કરવીએ કોઈપણ વાલી માટે, મુશ્કેલ હોવાનું અને ખાસ કરીને મધ્યમ વર્ગ માટે આ ફી ચૂકવવી અશક્ય હોવાનું જણાવ્યું હતું. વધુમાં અચાનક ફી વધારાને કારણે ગુજરાતના 2000 થી વધારે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોકટર બનવાનું પોતાનું સપનું સાકાર નહીં કરી શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

આ સંજોગોમાં અસહ્ય ફી વધારાને તાત્કાલિક રદ કરી હજારો વિદ્યાર્થીઓનું ભાવી સુનિશ્ચિત કરવા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજૂઆત કરી વાલીઓ દ્વારા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીને અંગત ભલામણ કરવા માંગ કરી આવેદન આપવામાં આવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રવિવારના દિવસે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને સાંભળી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે એ બાબતે પૂરતા પ્રયત્ન કરવામાં આવશે એવી ખાત્રી આપી હતી.તેમજ આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલયમાં પત્ર લખી અંગત ભલામણ પણ કરી હતી.

- text

- text