18મીથી પવિત્ર પુષ્ય નક્ષત્રથી પુરુષોત્તમ માસનો પ્રારંભ : જાણો તેનો મહિમા…

- text


મોરબી : પ્રચલિત માન્યતા એવી છે કે અધિક માસ દર 3 વર્ષે આવે છે. પણ, વાસ્તવમાં તે 32 મહિના, 16 દિવસ અને 8 કલાકના અંતરાયથી આવતો હોય છે. હિન્દુ પંચાંગ અનુસાર આ સમયે જે મહિનો પડતો હોય તે પૂર્વે અધિક માસને સ્થાન અપાય છે. જે અંતર્ગત આ વખતે અધિક શ્રાવણ માસનો યોગ સર્જાયો છે. લગભગ 19 વર્ષ બાદ આ રીતે 2 શ્રાવણનો સંયોગ સર્જાયો છે.

હરિહરની આરાધનાનો અવસર !

અધિક માસને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ. પુરુષોત્તમ એટલે સ્વયં શ્રીહરિ નારાયણ. અને તેના નામ પ્રમાણે જ આ અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એટલે કે, અધિક માસમાં શ્રીવિષ્ણુની પૂજા-અર્ચના, ભાગવત પઠનનો મહિમા છે. પરંતુ, આ વખતનો અધિક માસ એ “અધિક શ્રાવણ માસ” છે. અને આ શ્રાવણ માસ એ ભોળાનાથને સમર્પિત છેએટલે કે આ અધિક માસમાં શ્રીહરિ વિષ્ણુ અને સ્વયં હર એટલે કે મહાદેવની આરાધનાનો મહિમા રહેશે. બંન્નેની આસ્થા સાથે પૂજા-અર્ચના કરી શકાશે

અધિક માસનો અધિક મહિમાં અધિકસ્ય અધિકમ્ ફલમ્ એ અનુસાર અધિક માસમાં કરેલા જપ,તપ ,પૂજા,પાઠ,હોમ,અનુષ્ઠાન નું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે.

હિન્દુ પંચાંગમાં બાર મહિના ઉપરાંતના તેરમા મહિનાને પુરુષોત્તમ માસ, મળમાસ કે અધિકમાસ કહેવાય છે. આ સિવાય તે મલિમ્લુચ, સંસર્પ, અંહસ્પતિ વગેરે નામોથી પણ ઓળખાય છે. દર ત્રણ વર્ષે એક મહિનો અધિક ઉમેરાતો હોવાથી આ માસને અધિક માસ, ભગવાન પુરુષોત્તમ આ માસના સ્વામી હોવાથી પુરુષોત્તમ માસ અને આ મહિનામાં કોઈ તહેવાર કે કોઈ શુભ મુહૂર્ત ન હોવાને કારણે કોઈ શુભ કાર્ય થઈ શકતું નથી તેથી મળ માસ, અતિ મલિન રૂપવાળો હોવાથી મલિમ્લુચ, પાપનો સ્વામી હોવાથી અંહસ્પતિ અને જે વર્ષે એ અધિક માસ હોય તો તેમાં પહેલા અધિક માસને સંસર્પ કહેવામાં આવે છે. અગિયાર કરણોમાંથી ચાર સ્થિર કરણો (શકુનિ, ચતુષ્પદ, નાગ અને કિંસ્તુધ્ન)માં સૂર્યની સંક્રાંતિ શરૂ થાય તે સંક્રાંતિના સમયને મળ માસ કહેવામાં આવ્યો છે.

એક સૂર્ય વર્ષ ૩૬૫ દિવસ અને ૬ કલાકનું બનેલું હોય છે. જ્યારે એક ચંદ્ર વર્ષ ૩૫૪ દિવસનું હોય છે. બંને વર્ષની વચ્ચે ૧૧ દિવસનો તફાવત રહે છે. આ તફાવતને ભાંગવા માટે દર ત્રણ વર્ષે એક મહિનો અધિક ઉમેરવામાં આવે છે.

- text

એમ કહેવાય છે કે જ્યારે દરેક મહિનાના અધિપતિ તરીકે એક એક દેવતાઓને સ્થાપન કર્યા પણ અધિક માસના અધિપતિ કોઈ થવા તૈયાર ન થયું ત્યારે ભગવાન વિષ્ણુએ તેનું આધિપત્ય સ્વીકાર્યું અને કહ્યું કે :

अहमेवास्य संजात: स्वामी च मधुसूदन: एतन्नाम्ना जगत्सर्वं पवित्रं च भविष्यति ।

मत्सादृश्यमुपागम्य मासानामधिपो भवेत्‌ जगत्पूज्यो जगद्वन्द्यो मासोऽयं तु भविष्यति ॥

અર્થાત્‌ હવે હું આ માસનો સ્વામી થયો છું અને આના નામથી સમગ્ર જગત પવિત્ર બનશે. મારા સમાન આ માસનો મહિમા થશે અને આ માસ સર્વે માસનો અધિપતિ બનશે અને આ માસ જગતમાં પૂજ્ય અને વિશ્વવંદનીય બનશે.

આ માસમાં બીજાં શુભ કાર્યો ભલે ન થતાં હોય; પરંતુ ધનુર્માસની જેમ આ માસમાં ભગવત્‌ આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે.

આ માસમાં ભગવાનનાં ચરિત્રોના શ્રવણનો અતિ મહિમા કહેવાયો છે માટે આ માસમાં વિશેષ કોઈ ચરિત્ર ગ્રંથનો પાઠ અથવા શ્રવણ કરવું જોઈએ. વળી ભગવાને પણ વરદાન આપ્યો છે કે પુરુષોત્તમ માસમાં જે સત્કર્મ આચરશે તો તેના અપરાધ હું માફ કરીશ.

નારદીય પુરાણમાં કથા આવે છે કે દુર્વાસાએ જ્યારે અંબરીષ રાજાનો અપરાધ કર્યો ત્યારે તેમાંથી છૂટવા માટે પુરુષોત્તમ માસનું વ્રત રાખ્યું હતું. દ્રૌપદીએ ગયા જન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો તેથી બીજા જન્મે તેને પાંચ પતિની પત્ની બનવું પડયું અને ભરી સભામાં લાજ લુંટાય એવી વેળા આવી. ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી આ વાર્તા સાંભળ્યા પછી પાંચ પાંડવોએ પણ આ માસનું વ્રત રાખેલ હતું. આ વ્રત સો યજ્ઞો કરતાં પણ ચડિયાતું માનવામાં આવે છે. एतन्मासव्रतं राजन्‌ श्रेष्ठं क्रतुशतादपि (बृहद्‌ नारदीय संहिता २२.२३)

લેખક : શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે – મોરબી (ભાગવત આચાર્ય ,સંસ્કૃત વિશારદ ,જયોતિષ રત્નમ) મો.૮૦૦૦૯૧૧૪૪૪

- text