મોરબી નજીક કોઝવેમાં ડૂબેલા દંપતિ પૈકી પતિની 32 કલાકે લાશ મળી

- text


ગતરાત્રે 12 વાગ્યે પાણીમાં તરતી લાશ બહાર આવતા પોલીસે પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી

મોરબી : મોરબી નજીક નારણકા અને ખેવરિયા વચ્ચેના રસ્તે આવેલા કોઝવે ઉપરથી રવિવારે બાઇક લઈને પસાર થતું દંપતિ પાણીના ડુબ્યુ હતું. જેમાં પત્નીનો બચાવ થયો છે. પણ પતિ હજુ પણ લાપતા હતો. દરમિયાન ગતરાત્રે 12 વાગ્યે ત્યાંજ પાણીમાં તરતી તરતી લાશ બહાર આવતા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા રફિકભાઈ હુશેનભાઈ શેખ તથા તેમની પત્ની રવિવારે બપોરના સમયે ખેવારીયાથી નારણકા જવાના રસ્તામાં બેઠાણવાળા કોઝવેની પાસે આવેલ તળાવમાં ડૂબ્યા હતા. નીચાણવાળા કોઝવેમાં બાઇક લઇને પસાર થતી વેળાએ મોબાઈલ અને પાકિટ સહિતના સામાનની બેગ પડી જતા લેવા જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે, આ ઘટનામાં ખેતરમાં કામ કરતા મજૂરે પત્નીને બચાવી લીધી હતી. જ્યારે પતિ રફિકભાઈનો રવિવારે સાંજથી રાતભર શોધખોળ કરવા છતાં ગઈકાલે બીજા દિવસે પણ પતો લાગ્યો ન હતો. આથી મોરબી ફાયર બ્રિગેડ અને 20 થી વધુ તરવૈયાની ફોજ દ્વારા તેમની પાણીમાં સતત શોધખોળ ચાલુ રાખવા આવી હતી. દરમિયાન 32 કલાકે લાશ મળી આવી હતી. આ અંગે ફાયર બ્રિગેડના ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળની નજીક પાણીમાં ગતરાત્રે તરતી તરતી લાશ બહાર આવી હતી. આથી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી છે.

- text

- text