વાવાઝોડાના કારણે રાજ્યના 263 રસ્તા બંધ, 4600થી વઘુ ગામમાં વિજળી ગુલ

- text


મોરબી : વાવાઝોડું બાદ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વિગતવાર માહિતી મેળવી હતી. જેમાં જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે એકપણ માનવમૃત્યુ નથી નથી. 1100થી વધુ વૃક્ષો ધરાશાયી થતા 263 રસ્તા બંધ થયા હતા અને પોલો ધરાશાયી થતાં 4600થી વઘુ ગામમાં વિજળી ગુલ થઇ હતી.

રાહત કમિશનર આલોક પાંડેએ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આગોતરા આયોજન, મુખ્યમંત્રીના સતત માર્ગદર્શન અને સૌના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં મોટી જાનહાનિ ટળી છે. રાજ્યમાં વાવાઝોડાના પરિણામે એક પણ માનવમૃત્યુ નોંધાયું નથી. આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકારે પ્રભાવિત વિસ્તારોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા, આ સ્થળાંતર કદાચ ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સ્થળાંતરમાનું એક હશે. લગભગ પાંચ દિવસ સુધી કુદરતી આફત સામે ઝઝુમી આજે આપણે હજારો જીવન બચાવી શક્યા છીએ.

તેમણે ઉમેર્યું કે, ભારે પવન કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં 5120 જેટલા વીજ થાંભલાઓ પડી જતા 4600થી વધુ ગામમાં વીજળી ઠપ્પ થઈ હતી, જેમાંથી 3580 જેટલા ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. PGVCLની ટીમો દ્વારા ચાલુ વરસાદે પણ બાકીના ગામોમાં વીજળી ચાલુ કરવા માટે સતત કામ કરી રહી છે.

- text

વધુમાં નુકશાની અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, પ્રભાવિત જિલ્લાઓમાં 20 કાચા મકાન, 9 પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે. જ્યારે 474 જેટલા કાચા મકાન અને 2 પાકા મકાનને અંશતઃ નુકશાન થયું છે.

રાહત કમિશનરએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રીએ બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી જિલ્લાવાર સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી. વાવાઝોડાના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં પાણી, કમ્યુનિકેશન સિસ્ટમ, વીજળી અને રોડ રસ્તાને વેહલમાં વહેલી તકે પૂર્વવત કરવા સહિતની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પ્રાથમિક નુકસાનીનો અંદાજ મેળવવા, અસરગ્રસ્તો માટે કેશડોલ, ઘરવખરી, ઝુંપડા સહાય અને પશુ સહાય જેવી વ્યવસ્થાઓ કરવા પણ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવઓ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text