તારાજી : 100થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો, અનેક કારખાનાના પતરા ઉડ્યા

- text


અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ : 260થી વધુ વીજપોલ તુટી ગયા

 

મોરબી : મોરબીમાં બીપરજોય વાવાઝોડાની શુક્રવારે ભારે અસર જોવા મળી છે. મોરબી જિલ્લામાં આજે સવારથી 80 કિમીની સ્પીડથી પવનના મોજા ફૂકતા ભારે ખાનાખરાબી સર્જાઈ છે. જેમાં મોરબીમાં 260થી વધુ વીજ થાંભલા અને 15 ટ્રાન્સફોર્મર પડી જવાથી 100થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે. જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પડવાની સાથે સિરામિક ફેકટરીઓમાં પતરા ઉડી જવાની અને શેડ ધરાશાઈ થવાની ઘટના બની છે.

તારીખ 16ના રોજ વેહલી સવારથી ભારે પવન અને વરસાદના કારણે મોરબી જિલ્લા ભારે નુકશાની થઇ છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ભારે પવનના કારણે 260 જેટલા વીજપોલ અને 15 ટ્રાન્સફોર્મર પડવાના કારણે અનેક ફિડરો બંધ થવાથી બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના 105થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે. જેમાં હળવદ વિભાગીય કચેરી હેઠલમાં 15, મોરબી સિટી 1હેઠળ 2 તેમજ સિટી 2 હેઠળ 34 અને વાંકાનેરના 54 ગામોમાં વીજપુરવઠો બંધ થઈ ગયો છે. જોકે હાલ વાવાઝોડાની અને વરસાદની સ્થતિ વચ્ચે પણ વીજતંત્રની 55થી વધુ ટીમો પોતાની મશીનરી સાથે પડી ગયેલા થાંભલા ઊભા કરવા અને વીજપુરવઠો શરૂ કરવા કામે લાગ્યા છે.

- text

જ્યારે વાવાઝોડાની ભારે અસરના પગલે મોરબી જિલ્લામાં 80 કિમીની ઝડપે પવન ફુંકાવાના કારણે અનેક ગ્રામ્ય અને સિટી વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઈ થયા છે. જેના કારણે અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

આ ઉપરાંત ભારે પવનના કારણે સિરામિક ઉદ્યોગને પણ મોટું નુકશાન થવાની ભીતી છે. જેમાં આજે અનેક કારખાનાના ઉચા શેડના પતરા કાગળની માફક ઉડી ગયા છે. શેડના પતરા તૂટવા અથવા ઉડી જવાના કારણે તેમજ ઉપરથી સતત વરસાદના કારણે શેડ અંદર રહેલા માલ અને મશીનરીને પણ મોટા પાયે નુકશાની થવાનો અંદાજ છે. ઘણા કારખાનામાં તો સંપૂર્ણ પણે શેડો ધરાશાઈ થયા છે. હજુ પણ આજનો આખો દિવસ ભારે પવન ફુંકાવાને કારણે સિરામિક ઉધોગમાં નુકશાની વધે તેવી દેહશત છે.

- text