નવા નેશનલ હાઇવેના વિરોધમાં મોરબીના ત્રણ ગામોના ખેડૂતોના ઉગ્ર દેખાવો

- text


પીપળીયા, અમરેલી અને ગોરખીજડિયામાં બે હાઇવે હોય ત્રીજો નવો હાઇવે નાખીને ખેડૂતોની આજીવિકા છીનવવાનો સરકારનો હીન પ્રયાસ હોવાનો આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને વાંધા અરજી આપી

મોરબી : મોરબી પંથકમાંથી નવો નેશનલ હાઇવે નીકળતો હોય એ માટે ખેડૂતોની ઘણી જમીન કપાતમાં જવાની હોય એવી સરકારે જાહેરાત કરતા આજીવિકા છીનવાઈ જવાની દહેશથી ખેડૂતો આગબાબુલા થઈ ગયા છે. આથી પીપળીયા, અમરેલી અને ગોરખીજડિયામાં બે હાઇવે અગાઉથી હોય ત્રીજો નવો હાઇવે નાખીને ખેડૂતોની આજીવિકા છીનવવાનો સરકારનો હીન પ્રયાસ હોવાનો આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને વાંધા અરજી આપી છે.

મોરબીના ગોરખીજડિયા, અમરેલી અને પીપળીયા ગામના ખેડૂતોએ સરકારના નવા નેશનલ હાઇવે નાખવાના પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે અને ગામના સરપંચ, આગેવાનો તેમજ ખેડૂતો પ્રાંત અધિકારી કચેરી ખાતે એકઠા થઈને જય જવાન જય કિશાનની નારેબાજી કરી હતી. આ અંગે પીપળીયા ગામના સરપંચ પરેશભાઈ આદ્રોજા, ગોરખીજડિયાના સરપંચ ગૌતમભાઈ મોરડીયા તેમજ અમરેલી ગામના યુવા અગ્રણી વિજયભાઈ ચારોલાએ જણાવ્યું હતું કે, સરકારે પંચાયત કે વહીવટી તંત્રની કોઈ જાણ કર્યા વગર તેમજ પરિપત્ર જાહેર કર્યા વગર અખબારોમાં નવો નેશનલ હાઇવે માટે જમીન કપાતમાં જવાની હોવાનો તાનશાહી ભર્યો નિર્ણય જાહેર કર્યો છે. કારણ કે, અમારા આ ગામોમાં નવલખી હાઇવે અને બીજો ફોરલેન હાઇવે નીકળતો હોય તો હવે ત્રીજા હાઇવેની જરૂરત ન હોય આ નવો નેશનલ હાઇવે માત્ર ઔધોગિક હેતુ માટે જ બનાવવામાં આવે છે ત્યારે આ હાઇવે નીકળે તેમાં ખેડૂતોની રોડ બાજુની મોટાભાગની જમીનો કપાતમાં જાય એમ છે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, જમીન કપાતમાં જાય એટલે અમારી આજીવિકા છીનવાઈ જાય છે. એકબાજુ સરકાર ખેડૂતોના હિતલક્ષી હોવાનો દાવો કરે છે. બીજી બાજુ આવા મનસ્વી નિર્ણય જાહેર કરીને ખેડૂતોની રોજીરોટી ઉપર તરાપ મારે છે. એક ખેડૂતની રોડ ટચ જમીન હોય એને એની જમીન કપાતમાં જાય તો કોથમરી વાવી શકીએ એટલી જગ્યા માંડ બચે જમીન કપાતમાં જાય તો થોડી ઘણી બચેલી જમીનમાં વાવેતર તો થઈ જ ન શકે, ન એ જમીન વેચી શકીએ કે ન એમાં બીજો ધંધો કરી શકીએ, જમીન કપાવવાથી ન ઘરના રહીએ કે ન ઘાટના, ઉપરથી સરકારે જે જાહેરાત કરી છે તેમાં ક્યાં ગામની કેટલી જમીન કપાતમાં જશે અને વળતર ખેડૂતોને કેટલું મળશે તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. આથી આ સ્પષ્ટતા કરવા માટે ખેડૂતોએ આજે પ્રાંત અધિકારીને વાંધા અરજી કરી છે અને ખેડૂતોની આજીવિકા કોઈ કાળે ન છીનવાઈ જાય એ માટે છેક સુધી લડીશું તેવો નીર્ધાર કર્યો છે.

- text

- text