મોરબીમાં ઘર વિહોણા બાળકોને શૈક્ષણિક કીટ ટ્રેકશૂટનું વિતરણ કરાયું

- text


લાભાર્થી પરિવારોને સરકારની વિવિધ યોજનાઓના લાભો અપાયા

મોરબી : મોરબીમાં જિલ્લા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા 30 ઘરવિહોણા બાળકોને શૈક્ષણિક કીટ, ટ્રેકશૂટ તેમજ 14 પરિવારોને સરકારની વિવિધ યોજનાઓના લાભો અપાયા હતા.

આ પ્રસંગે કલેકટર જી. ટી. પંડયાએ જણાવ્યું હતું કે શેરીમાં રહેતા બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેમજ ભણવા માટે જરૂરી સાધનો મળી રહે અને આવા બાળકોના પરિવારોને સરકારની વિવિધ યોજનાઓના લાભો મળી રહે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર ખુબજ પ્રયત્નશીલ રહે છે. શેરીમાં રહેતા પરિવારોમાં વ્યક્તિની લાયકાત પ્રમાણે સ્વરોજગાર આપવા માટે વહીવટી તંત્ર હમેશા સાથ આપી રહ્યું છે. અધિકારીઓએ બાળક તેમજ તેમના પરિવારો સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં પરિવારોને પડતી મુશ્કેલી અને તેના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી.

કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર કે બાળક સરકારની લોક કલ્યાણની યોજનાથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા વિવિધ ઝુંબેશો ચલાવવામાં આવે છે, વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. વંચિત અને જરૂરિયાતમંદ પરિવારોની સાથે સાથે શેરીઓમાં રહેતા બાળકો કે તેમના પરિવારો પણ સરકારની યોજનાઓનો લાભ મેળવી સામાન્ય પ્રવાહમાં આવી શકે તે માટે એક ઉમદા અભિગમ પણ સરકાર દ્વારા કેળવવામાં આવ્યો છે. મોરબીની શેરીઓમાં રહેતા બાળકોની નોંધણી અને સર્વે કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં સરકારના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા અભિગમ અંતર્ગત CISS (Child In Street Situation- શેરીમાં રહેતા બાળકો) માટે 2021માં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અંતર્ગત બાળ સ્વરાજ પોર્ટલ પર મોરબી જિલ્લાના 0 થી 18 વર્ષના 31 બાળકો નોંધાયેલા હતા જેમાં 1 બાળકનું રાજકોટ જિલ્લામાં સ્થળાંતર થયેલ છે.

જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગતની ચાઈલ્ડ વેલેફેર કમિટી દ્વારા આવા બાળકોના ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગના સંકલનમાં રહીને તમામ બાળકોના બેંક ખાતા ખોલાવી આપવામાં આવ્યા હતા. તમામ પરિવારોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે તથા તમામ પરિવારોના રેશનકાર્ડ પણ બનાવી આપવામાં આવ્યા છે. આ બાળકો અને તેમના પરિવારોને આવાસ, પાણી, આરોગ્ય વગેરે સવલતો મળી રહે તે માટે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ બાળકો અને તેમના પરિવારોને સરકારની આધારકાર્ડ, રેશનકાર્ડ, શ્રમકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, શિક્ષણ, વિવિધ સ્કોલરશીપ સહિતની ગાઈડલાઈન મૂજબની યોજનાઓ હેઠળ ત્વરિત ધોરણે આવરી લેવામાં આવ્યા હતા. 14 બાળકોને રૂ. 1650 ની શિષ્યવૃતી, 12 પરિવારોને એન.એફ.એસ.એ. માં આવરી લેવામાં આવ્યા હતા. તેમજ 2 પરિવારોને ઈ-નિર્માણ કાર્ડ આપવામાં આવ્યા હતા. 30 બાળકોને શૈક્ષણિક કીટમાં સ્કૂલબેગ, લંચ બોક્સ, વોટર બોટલ, કંપાસ બોક્સ તેમજ ટ્રેક શૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી ડી.સી. પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશિયા, સમાજ કલ્યાણ અધિકારી ડી.એમ. સાવલીયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી કે.વી. કાતરીયા, જિલ્લા શિક્ષણ અધિકારી નીલેશ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી. અંબારીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશી, સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ લાભાર્થી પરિવારો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text