ખોટના ખાડામાંથી બહાર આવવા પાલિકા પાણીવેરા, ભૂગર્ભ વેરામાં તોતિંગ વધારો કરશે !

- text


મોરબીમાં પાણી વેરામાં 300 ટકાથી વધુ વધારો ઝીકવા તૈયારી : સૂચિત કરવેરાની તલવાર વિંઝતા પૂર્વે ચીફ ઓફિસરે પ્રજાજનો પાસેથી વાંધા સૂચનો મંગાવ્યા

મોરબી : વહીવટી અણઆવડતને કારણે ખોટના ખાડામા ગરક થયેલ મોરબી નગરપાલિકા દીવા ની દાઝે કોડિયાને બટાકા ભરવા જેવી કહેવત સાર્થક કરવા હવે ખોટ સરભર કરવામાં પ્રજાજનો ઉપર પાણી વેરા અને ભૂગર્ભ વેરામાં 300 ટકાથી વધુનો તોતિંગ વધારો કરવા તૈયારી શરૂ કરી જાહેર નોટિસ અને વર્તમાનપત્રમાં જાહેરખબર પ્રસિદ્ધ કરાવી વેરામાં સૂચિત ભાવ વધારા અંગે વાંધા સૂચનો પણ મંગાવ્યા છે.

વિશ્વભરમાં નામના મેળવનાર સિરામીક સીટી મોરબી શહેરના નસીબમાં પ્રાથમિક સુવિધાઓ ભાગ્યમાં જ ન લખાઈ હોય તેવી સ્થિતિ વચ્ચે ઠેર ઠેર ઉભરાતી ગટરો, 24 કલાક અથવા તો ક્યારેય ચાલુ ન થતી સ્ટ્રીટ લાઈટ, ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં ધાંધિયા સહિતની અસુવિધા વચ્ચે હવે ખોટના ખાડામાં ડૂબેલ પાલિકાએ પ્રજા ઉપર કરબોજ વધારવા નિર્ણય કર્યો છે.

મોરબી પાલિકા ચીફ ઓફિસર દ્વારા તા.25 મે 2023ના રોજ ઠરાવ કરી સૂચિત કરબોજ વધારામાં મુખ્યત્વે પાણી વેરામાં 300 ટકાથી વધુનો ભાવ વધારો અમલી કરવા નક્કી કરી વર્તમાનપત્રમાં જાહેરાત આપવાની સાથે જાહેર નોટિસ અને અન્ય જાહેર જગ્યા ઉપર પણ સૂચિત પાણી વેરામાં વધારા અંગે જાહેરાત કરી પ્રજાજનોના વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે.

- text

વધુમાં મોરબી પાલિકા દ્વારા નવા પાણી વેરામાં વધારાની વિગત જોઈએ તો હાલમાં શહેરમાં રહેણાંક મકાનમાં અડધાના કનેકશન માટે હયાત 600 રૂપિયાને બદલે 2000 રૂપિયા, પોણાના કનેકશન માટે હયાત 5400ના બદલે 18000, એકના કનેકશન માટે 10 હજારની બદલે 35,500, દોઢના કનેકશન માટે 18,800ને બદલે 1 લાખ તેમજ ત્રણના કનેકશન માટે 72 હજારની બદલે 2,50,000 વેરો કરવા નક્કી કરાયું છે.

નોંધનીય છે કે, બિન રહેણાંક માટે હાલમાં મોરબી નગરપાલિકા દ્વારા વર્તમાન અડધાના કનેકશન માટે 2700 રૂપિયાથી વધારી 9500 કરવા, પોણાના કનેકશન માટે 5400ના 18,500 રૂપિયા વધારવા નક્કી કરી રહેણાંકની જેમજ તમામ કેટેગરીમાં રહેણાંકથી વધુ કરબોજ વધારવાને બદલે 300 ટકા જેટલો સમાંતર વેરો વધારવા નક્કી કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકા દ્વારા ખાસ ઠરાવ કરી કરબોજ વધારા કરવા જાહેરાત કરવાની સાથે જ આગામી એક મહિનાના સમયગાળા દરમિયાન આ કરબોજ સામે પ્રજાજનોને વાંધા સૂચન આપવા જણાવવામાં આવ્યું છે.

- text