પંચ રોજકામની કોપી માટે લાખો ખંખેરનાર ટંકારાનો મહેશ ગાયબ, ફોન પણ બંધ

- text


ટંકારા તાલુકાના જબલપુરના ખેડૂત પાસેથી સરકારી રેકોર્ડ મેળવવા વચેટીયાએ નાણાં ખંખેરતા મામલો ગરમાયો

ટંકારા : ટંકારાના ખેડૂત પાસેથી ખેતીની જમીનના પંચરોજકામની કોપીના બદલામાં લાખોની રકમ ખંખેરનાર વચેટિયા મહેશ ગોપાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા જ મહેશ ફોન સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું બહાર આવ્યું છે, જો કે આ વચેટીયો પોલીસની હાથવેંતમાં હોવાનું પણ જાણવા મળે છે.

ટંકારાના સર્કલ ઓફ્સિર અને ઈન્ચાર્જ મામલતદાર કલ્પેશભાઈ ડી. બુસાએ કલ્યાણપર ગામના મહેશ અવચરભાઈ ગોપાણી વિરુધ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આર્થિક લાભ ખાટવા જબલપુરના ખેડુત પ્રવિણભાઈ પરમારને ખેતીની સાંથણીની જમીનના પંચ રોજકામ સહિતના સરકારી કાગળો મેળવી બારોબાર નકલો અરજદારને આપી રૂપિયા 1 લાખ 11 હજાર ખંખેર્યા હતા. જેનો ઓડિયો વિડીયો વાયરલ થયો હતો. આ મામલે 406-420 મુજબ ફરિયાદ થતા પોલીસ હરકતમાં આવી વચેટીયા મહેશને હિરાસતમાં લેવા કવાયત હાથ ધરી છે. જો કે, હાલમાં મહેશ ગોપાણી મોબાઇલ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

- text

જો કે, સૂત્રોનું માની તો મહેશ ગોપાણી પોલીસના હાથ વેતમા હોવાનું અને મહેશની અટકાયત ભાદ અનેક મોટા ખુલાસા બહાર આવી શકે છે અને જો તપાસ નિષ્પક્ષ અને નિડરતાથી થાય તો રેલો છેક મોરબી કલેકટર કચેરીની રેવન્યૂ વિભાગની ચેમ્બર સુધી પહોંચી જશે. બીજી તરફ કોપી કાંડ બાદ મોરબી કલેકટર કચેરી, પ્રાંત ઓફિસ અને ટંકારા મામલતદાર કચેરી ખાતે કાયમ પોટફોલીયા લઈ ફરતા વચેટીયા ભુગર્ભમા ઉતરી ગયા છે અને કચેરી જાણે સુમસામ ભાસતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

- text