નલ સે જલ ! મોરબીના 115 વાડી વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત

- text


હવે નવો ડેવલપમેન્ટ પ્લાન બનાવવા તરફ નગરપાલિકા આગળ વધી રહી હોવાનો વહીવટીદારનો નિર્દેશ

મોરબી : મોરબી શહેરની છેવાડે આવેલ 115 જેટલા વાડી વિસ્તારમાં આજે પાણીની પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેના માટે રૂ.9.59 કરોડનું ટેન્ડર હતું. જેમાં હવે 19 ટકા ટેન્ડર વધારે મંજુર કરીને કુલ રૂ.11.43 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 115 વાડી વિસ્તારોમાં આગામી એક વર્ષમાં પાઇપલાઇન નાખવાનું કામ પૂરું કરી દેવામાં આવશે.

મોરબીના 115 વાડી વિસ્તારોમાં પાઇપલાઇન નાખવાના કામના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, નગરપાલિકાના વહીવટીદાર એન.કે. મુછાર સહિત પાલિકાના પૂર્વ પ્રમુખો અને ચેરમેનો હાજર રહ્યા હતા. આ તકે નગરપાલિકાના વહીવટીદાર એન.કે. મુછારે જણાવ્યું હતું કે, નગરપાલિકા પર ખર્ચનું ભારણ ઘટાડવા માટે પાલિકા હસ્તકના નંદીઘરમાં રહેલા ગૌવંશને જુદી જુદી ગૌશાળામાં ખસેડી નંદીઘર બંધ કરવામાં આવશે અને ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા નવા રોડ રસ્તા તેમજ મચ્છુ નદી ઉપર પુલનું નિર્માણ કરવાના પ્રયાસો ચાલુ છે. મોરબીમાં બાંધકામ માટે ડીપી કે ટીપી પ્લાન મંજૂર નથી. હવે નવો ડેવલપમેન્ટ પ્લાન્ટ બનાવવા તરફ નગરપાલિકા આગળ વધી રહી છે.

જ્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ કહ્યું હતું કે, લવ જેહાદ હોય કે ગુંડાગીરી કે બીજા અન્ય કોઈ પ્રશ્નો હોય તે માટે હું અને કાંતિભાઈ સાથે જ છીએ અને શાંતિ રહે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે. તેમજ કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, લવ જેહાદ અને વ્યાજખોરો સામે કાર્યવાહી બાદ હવે જમીન પચાવી પાડનાર સામે કાર્યવાહી કરાશે. મવડા ન હોય તે મોરબી માટે મોટામાં મોટું નુકસાન છે. મવડા હોય તો સારી રીતે વિકાસ થઈ શકે અને કોન્ટ્રાકટરને પણ પ્રજાના પૈસા ન વેડફવા અને સમયસર કામો યોગ્ય રીતે પૂર્ણ કરવાની તાકીદ કરી છે. ઓજી વિસ્તારનો સંપૂર્ણપણે વિકાસ થાય તેવું આયોજન કરવાનું જણાવ્યું હતું. લોકોના કામો કરવા માટે વોર્ડ વાઇઝ કમિટી બનાવવા, એક મહિનામાં રૂ.50 કરોડના વિકાસ કામોના ટેન્ડર બહાર પાડવા તેમજ નગરપાલિકામાં કોઈની લાલીયાવાડી નહિ ચાલવી લેવાય તેવું કહ્યું હતું.

- text

- text