મોરબીમાં સખી મંડળ દ્વારા ખાખરા ગૃહ ઉદ્યોગનો શુભારંભ

- text


મોરબી : રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત મોરબીના અર્પિતા આરાધ્યા સખી મંડળ દ્વારા ખાખરા ગૃહ ઉદ્યોગનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.

આજરોજ મોરબી ખાતે અર્પિતા આરાધ્યા સખીમંડળમાં ખાખરા ગૃહ ઉદ્યોગનો શુભારંભ કરવામાં આવ્યો છે. સખી મંડળના પ્રમુખ રંજનબેન તથા કાજલબેન અને મંત્રી નયનાબેન દ્વારા આજુબાજુના વિસ્તારના બહેનોને વિવિધ સ્વરોજગાર આપવામાં આવે છે તે બાબતની છણાવટ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંતે જે-જે બહેનો સ્વનિર્ભર બની જાતે રોજગારી પ્રાપ્ત કરી છે તેવા તમામ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાની રીતે પગભર થવા માટેની જરૂરી ટ્રેનિંગ અને માર્ગદર્શન આ સખી મંડળ દ્વારા આપવામાં આવે છે.

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ગામમાં જ વસ્તુ બને અને ગામના જ લોકો ઉપયોગ કરે તો વધુમાં વધુ બહેનોને રોજગારી આપી શકાય. આ માટે જરૂરી તમામ મદદ કરવા હંમેશા તત્પર રહીશ તેવી માહિતી આપી હતી. કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, જિલ્લાનુ વહીવટી તંત્ર સ્વરોજગાર માટે હંમેશા મદદ કરતું રહ્યું છે અને જરૂર તમામ મદદ કરશે. આ તકે સિરામિક એસોસિએશન દ્રારા બહેનોને ભરોસો આપ્યો હતો કે ગૃહ ઉધોગમાં બનતા ખાખરા અને ભાખરીના વેચાણ કરવામાં સિરામિક એસોસિએશન મદદ કરશે. ઉપરાંત રા.સ્વ.સંઘ દ્વારા સંચાલિત સ્વાવલંબી ભારત અભિયાનમાં સખી મંડળને પ્રેરકબળ મળી રહે તે બાબતની છણાવટ જીલેશભાઈ કાલરિયાએ કરી હતી.

પ્રમુખ રંજનબેન દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, શુદ્ધ-સાત્વિક ભેળસેળ વિનાના ઘઉંના લોટમાંથી ખાખરા બનાવવા આવશે અને શહેરમાં જ વ્યાજબી ભાવે બધાને મળી રહે તેવા પ્રયત્નો આ સખી મંડળના બહેનો દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમનુ સંચાલન દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text