મોરબી જિલ્લામાં ધોધમાર માવઠાથી તલી સહિતના પાકોને નુકશાન

- text


માવઠાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ખેતીવાડી વિભાગ સર્વે કરશે

મોરબી : મોરબી જિલ્લામા ખેડૂતો માટે માવઠું મુસીબત બનીને આવ્યું છે ત્યારે આજે ધોધમાર ખાબકેલા કમોસમી વરસાદથી ખાસ કરીને મોરબી તાલુકામા તલીનું વાવેતર કરનાર ખેડૂતોના ફૂલે ફાલે આવેલ મોલમાં નુકશાની આવવાની સાથે અનેક ખેડૂતોએ પશુઓ માટે વાવેલ ચારો હાલમાં વાઢેલી હાલતમાં ખેતરોમાં પડ્યો હોય ચારો બગડી જવાની શક્યતા વ્યક્ત કરી હતી.

મોરબી શહેર અને જિલ્લામાં આજે ધોધમાર વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતોને વ્યાપક નુકશાન પહોંચ્યું હોવાનું માળીયા મોરબી પંથકના ખાખરેચી ગામના ખેડૂત આગેવાન મહેશભાઈ પટેલ જણાવી રહ્યા છે, મહેશભાઈના જણાવ્યા મુજબ હાલમાં ઉનાળુ તલી ફૂલે, ફાલે છે અને માવઠું થતા નુકશાન પહોંચ્યું છે, એ જ રીતે અનેક ખેડૂતોએ જુવાર, મકાઈ સહિતનો ચારો વાવ્યો હોય ભારે પવનમાં ચારો જમીનભર થઈ ગયો છે તો અનેક ખેડૂતોનો ઘાસ ચારો વાઢેલો ખેતરમાં પડ્યો હોય નુકશાન થયું છે.

એ જ રીતે હળવદ તાલુકાના ખેડૂત આગેવાન ધર્મેન્દ્રભાઈ જણાવે છે કે, હળવદ પંથકમાં ઉનાળુ વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. જો કે, મોરબી જેટલો વરસાદ હળવદ પંથકમાં ન હોવાથી તલીના વાવેતરમા નુક્શાન નથી પરંતુ પશુઓ માટે વાવેલો ઘાસ ચારો કાપણી બાદ ખેતરમાં જ પડ્યો હોય ખેડૂતોને નુકશાન પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું.

- text

દરમિયાન મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહે જણાવ્યું હતું કે, માવઠાથી ખેડૂતોના ઉનાળુ વાવેતરની વધતા ઓછા પ્રમાણમાં નુકશાન થશે, જો કે વરસદની આગાહી અંગે ખેડૂતોને અગાઉથી જ તંત્રએ ચેતવ્યા હોય બહુ મોટી નુકશાની નહિ આવવાની તેમને આશા વ્યક્ત કરી કમોસમી વરસાદના રાઉન્ડ પૂર્ણ થયા બાદ વધુ વરસાદ વાળા વિસ્તારમાં ખેતીવાડી વિભાગ સર્વે કરી નુક્શાનીના આંકડા મેળવનાર હોવાનું જણાવ્યું હતું.

 

- text