ટંકારામાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ૧૮ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો

- text


મોરબી: મોરબી જિલ્લાના ટંકારા ખાતે તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨ માંથી ૧૮ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યમાં સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વાગત સપ્તાહની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ટંકારાના નોડલ અધિકારી આઈ.પી. મેર તથા મોરબીના નાયબ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત કચેરી, ટંકારા ખાતે યોજાયો હતો. આ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ટંકારાની વિવિધ કચેરીઓ જેવી કે પી.જી.વી.સી.એલ.કચેરી, તાલુકા પંચાયત કચેરી, જળ સિંચન કચેરી, એસ.ટી. ડેપો, આર. એન. બી. સ્ટેટ મોરબી અને મહેસુલ કચેરીને લગતા વિવિધ સહાય દાખલાઓ તથા અન્ય હેતુવિષયક પ્રશ્નો રજૂ થયેલા હતા.

સ્વાગત કાર્યક્રમમાં ૨૨ પ્રશ્નો રજૂ થયેલ હતા. જેમાંથી ૧૮ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો. બાકીના ૪ પ્રશ્નો અંગે સ્થળ સ્થિતિની તપાસ કરી રેકર્ડથી ખરાઈ કરવાની જરૂરિયાત હોય સંબંધિત ખાતાને ૧૫ દિવસમાં નિરાકરણ લાવવા જણાવાયું હતું.આ કાર્યક્રમમાં ટંકારા મામલતદાર કે. જી. સખીયા, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા કચેરીઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text