આગામી છએક મહિનામાં ફરી યોજાશે મોરબી પાલિકાની ચૂંટણી

- text


દિલ કે અરમા આસુંઓમે બહે ગયે જેવા ઘાટ વચ્ચે નવી ચૂંટણીમાં ટિકિટ મળશે કે કેમ તેની પણ નગરસેવકોને ચિંતા

મોરબી : મોરબી નગરપાલિકામાં ગંજીપાનાની જેમ 13 વોર્ડમાં બાવને બાવન સભ્યો ભાજપના ચૂંટાઈ આવવા છતાં વિપક્ષ વગરની પાલિકામાં બે વર્ષના શાસન દરમિયાન ભાજપના ચૂંટાયેલા નગરસેવકોમાં આંતરિક ગજગ્રાહ અનેક વખત સપાટીએ આવ્યા બાદ છેલ્લે ઝૂલતાપુલ દુર્ઘટના બાદ રીતસરના બે ભાગલા પડતા સરકાર દ્વારા પાલિકાને સુપરસીડ કરી આંતરિક કજિયાને ડામી દેતા હવે આગામી છ મહિનામાં ફરી પાલિકાની ચૂંટણી યોજાશે. જો કે સુપરસીડનાં સરકારના હુકમ બાદ કી કેટલાય સભ્યોની હાલત દિલ કે અરમા આસુંઓમે બહે ગયે જેવો ઘાટ છે અને આગામી ચૂંટણીમાં ટિકિટ મળશે કે કેમ તેની ચિંતા પણ અત્યારથી કેટલાય નગરસેવકો કરી રહ્યા છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે ઝૂલતા પુલ કેસમાં મોરબી નગર પાલિકાને સુપરસીડ કરી 52 નગરસેવકોને ઘરભેગા કરી દીધા છે. ત્યારે પાલિકામાં હવે સરકાર આગામી 6 મહિનાની અંદર ગમે ત્યારે નોટિફિકેશન બહાર પાડી ફરીથી ચૂંટણી યોજવામાં આવશે અને ત્યાં સુધી પાલિકામાં વહીવટદારનું શાસન રહેશે.જો કે મોરબી પાલિકામાં પાછલા બે વર્ષથી ભાજપનું એકચક્રી શાસન કાયમ રહેવા છતાં કમિશન કાંડ, એલઇડી લાઈટ કાંડની સાથે જ બાવન સભ્યોમાં રીતસરના બે જૂથ પડી ગયા હતા અને એટલે જ તો ગતવર્ષના બજેટને પણ બહાલી ન આપવાની સાથે પ્રમુખે પોતાના પાવર હેઠળ કરેલા કામોને પણ પાલિકાના બહુમત સભ્યોએ બહાલી ન આપતા મામલો ગુચવાયેલ રહ્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબીની પ્રજાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકી તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોને ઝળહળતો વિજય અપાવવા છતાં ચૂંટાયેલી પાંખ પ્રજાભિમુખ શાસન આપવામાં ઉણી ઉતરી હોવાની જનમાનસ ઉપર છાપ અંકિત થઇ છે ત્યારે હવે ઝૂલતાપૂલ મામલે પાલિકા સુપરસીડ થતા આગામી ચૂંટણીમાં મોરબીની પ્રજા કેવો મિજાજ બતાવે છે તે જોવું રહ્યું.

- text