મોરબીની આર.ઓ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ યુનિવર્સીટીમાં ડંકો વગાડ્યો

- text


બેચલર ઓફ કોમર્સ સેમેસ્ટર – 3ની વિદ્યાર્થિનીએ કોમર્સ વિદ્યાશાખામાં યુનિર્વિસટી કક્ષાએ ત્રીજો નંબર મેળવ્યો

મોરબી : મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ. પટેલ મહિલા કોલેજની બેચલર ઓફ કોમર્સ સેમેસ્ટર – 3 ની વિદ્યાર્થિની કોરડીયા પ્રિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમર્સ વિદ્યાશાખામાં યુનિવર્સીટી કક્ષાએ ત્રીજો નંબર સાથોસાથ મોરબી જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવી કોમર્સ વિદ્યાશાખામાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. તદુપરાંત વ્યાસ હેત્વી આર. એ યુનિવર્સિટી કક્ષાએ સાતમો નંબર અને મોરબી જિલ્લા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કરી સંસ્થા, કોલેજ અને પોતાના પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગુંજતું કર્યું છે.

ઉપરાંત માસ્ટર ઓફ કોમર્સ સેમેસ્ટર – 1ની વિદ્યાર્થિની પરમાર વૈભવીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ કોમર્સ વિદ્યાશાખામાં યુનિર્વિસટી કક્ષાએ ત્રીજો નંબર સાથોસાથ મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી માસ્ટર ઓફ કોમર્સ વિદ્યાશાખામાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. સાથે જ મેહતા પાયલએ યુનિવર્સિટી કક્ષાએ આઠમો નંબર અને મોરબી જિલ્લા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કરી સંસ્થા, કોલેજ અને પોતાના પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગુંજતું કર્યું છે.

- text

જ્યારે બીસીએ સેમેસ્ટર – 3 માં મારું ધારાએ યુનિવર્સિટી કક્ષાએ સાતમો નંબર તથા મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી કમ્પ્યુટર વિદ્યાશાખામાં પોતાનું નામ મોરબી જિલ્લામાં ગુંજતું કર્યું છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓની સરખામણીએ બેચરલ ઓફ કોમર્સ વિદ્યાશાખામાં સ્ટુડન્ટ્સ સંખ્યા સૌથી વધુ જોવા મળે છે અને આટલી વિશાળ સંખ્યામાં મોરબીની સામાન્ય પરિવારની દીકરીઓએ કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ વગર, અધ્યાપકોના ચોક્કસ માર્ગદર્શન હેઠળ અને પોતાના સ્વબળે યુનિવર્સિટી કક્ષાએ ત્રીજો નંબરે અને સાતમા નંબરે પ્રાપ્ત કરવો ખૂબ જ મુશ્કેલ કહી શકાય.

કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, અઘ્યક્ષ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, વાણિજ્ય વિદ્યાશાખાના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા સર્વે કોમર્સ અને કમ્પ્યુટર સ્ટાફગણ તરફથી પાંચેય વિદ્યાર્થિનીને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text