શ્રીજી ફરાળી લોટે અનેકને ઝાડા-ઉલ્ટી કરાવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દોડતો 

- text


મોરબી અપડેટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું : અવધ સોસાયટીની ઘટના સામે આવ્યા બાદ મહેન્દ્રનગર ચોકડી, જુના મોરબી સહિતના અનેક વિસ્તારમાં લોકોની ફરિયાદો ઉઠી 

મોરબી : મોરબીમાં રામનવમીના પાવન અવસરે ઉપવાસ કરનાર અનેક લોકોએ શ્રીજી બ્રાન્ડ ફરાળી લોટની વાનગી આરોગ્ય બાદ ચક્કર, ઝાડા અને ઉલ્ટીઓ થવાનું શરૂ થયાના અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયા બાદ શહેરના જુના અને નવા વિસ્તારો ઉપરાંત મહેન્દ્રનગરમાં પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા પરિવારે પણ અનેક લોકોને ફરાળી લોટની રોટલી, ભાખરી ખાધા બાદ ઝાડા-ઉલ્ટી થયા હોવાનું તેમજ શહેરની જાણીતી ખાનગી હોસ્પિટલમાં પણ અનેક લોકો સારવાર માટે દાખલ થતા અંતે મોરબી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દોડતો થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના નાની કેનાલ રોડ ઉપર અવધ સોસાયટીમાં રહેતા જયદીપભાઈ મેટાલીયાના પરિવારના પાંચ સભ્યોએ શ્રીજી બ્રાન્ડ ફરાળી લોટમાંથી બનાવેલી રોટલી આરોગતા પરિવારના પાંચ સભ્યોને ચક્કર આવવા, ઝાડા, અને ઉલ્ટી સહિતની બીમારી થતા એક વ્યક્તિને રાજકોટ ખસેડી અન્ય લોકોને મોરબીની શ્યામ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ અહેવાલ પ્રસિદ્ધ થતા જ મોરબીના જુદાં -જુદા વિસ્તારોમાં પણ લોકોને શ્રીજી બ્રાન્ડ ફરાળી લોટની વાનગી આરોગતા ઝાડા-ઉલ્ટી થયા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી અને અનેક લોકો મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હોવાનું સામે આવ્યું હતું.

- text

બીજી તરફ ફરાળી લોટની આડઅસર મામલે પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા હાર્દિકભાઈ મનહરભાઈ બાપોદરિયાએ પણ મોરબી જિલ્લા ખોરાક અને ઔષધનિયમન વિભાગને લેખિત ફરિયાદ કરી ગતરાત્રીના તેમના ઘરના છ સભ્યો પૈકી 4 વ્યક્તિઓને શ્રીજી બ્રાન્ડ ફરાળી લોટમાંથી બનાવેલી ભાખરી અને ચા જમ્યા બાદ ચક્કર આવવા, શરીર કંપવું સહિતની અસર પહોંચતા સમર્પણ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું તબીબોએ જણાવી ચારેયની ટ્રીટમેન્ટ કરી હોવાનું ફરિયાદમાં જણાવી ફરાળી લોટ વેચનાર શ્રીજી કંપની વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ કરી હતી. આ મામલે મોરબી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી છત્રાલાએ જણાવ્યું હતું કે, શ્રીજી બ્રાન્ડ ફરાળી લોટની વાનગી આરોગ્ય બાદ અનેક લોકોને ઝાડા-ઉલ્ટી અને ચક્કર આવવા અંગે ફરિયાદ મળી હોવાનું તેમજ તંત્ર દ્વારા નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.

- text