મોરબીના મહેન્દ્રનગરમાં શોભાયાત્રાના રથમાં બેસવાની ના પાડતા આયોજકો ઉપર 13 શખ્સોનો હુમલો 

- text


માથાભારે લુખ્ખા તત્વોએ અન્ય આયોજકની દુકાને પહોંચી બઘડાટી બોલાવી : મોરબીના અગ્રણી રાજકારણીની હાજરીમાં બનેલ બનાવ 

મોરબી : રામનવમીના પાવન અવસરે મોરબીના મહેન્દ્રનગર ગામે યોજાયેલ શોભાયાત્રાના રથમાં બેસવાની ના પાડનાર આયોજકો ઉપર 13 જેટલા લુખ્ખાતત્વોએ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા આ ગંભીર બનાવ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રામનવમીના પાવન અવસરે પેવર બ્લોકનું કારખાનું ધરાવતા રાજેશભાઈ મનસુખભાઇ શેરસીયા, વિપુલભાઈ વિડજા સહિતના આગેવાનોએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું જેમાં આ શોભાયાત્રા ફરતી – ફરતી મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક ક્રાંતિજયોત પાસે પહોંચતા આયોજકો દ્વારા કોઈએ રથમાં ન બેસવા જાહેરાત કરી આમ છતાં ત્યાં હાજર રોયલપાર્કમાં રહેતા રાજેશ નાનજીભાઈ ગોધવિયા નામનો શખ્સ રથ ઉપર ચડી જતા રાજેશભાઈ મનસુખભાઇ શેરસીયા, વિપુલભાઈ વિડજા સહિતના આગેવાનોએ આવું કરવાની ના પાડતા આરોપી રાજેશ નાનજીભાઈ ગોધવિયા ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલી જતો રહ્યો હતો.

બાદમાં આરોપી રાજેશ નાનજીભાઈ ગોધવિયાએ વારંવાર રાજેશભાઈ મનસુખભાઇ શેરસીયાને મોબાઈલ ઉપર ફોન કરીને કહ્યું હતું કે, ત્યારે તું કેમ બહુ હોશિયારી કરતો હતું, તને બહુ હવા છે, હાલ બાજવું હોય તો આવી જા ચોકડીએ હું મારા મિત્રોને બોલાવી રાખું છું તારે માફી માંગવી પડશે તેમ કહેતા રાજેશભાઈ મનસુખભાઇ શેરસીયાએ કહ્યું હતું કે હું મોરબી શોભાયાત્રામાં છું શોભાયાત્રા પુરી થાય ત્યાર બાદ આવીને તમારી માફી માંગી લઈશ.

- text

બાદમાં ફરી આરોપી રાજેશ નાનજીભાઈ ગોધવિયાએ ફોન કરી રાજેશભાઈને મહેન્દ્રનગર બસસ્ટેન્ડ પાસે બોલવતા તેઓ તેમના મિત્ર સાથે રાત્રે દસેક વાગ્યે બનાવ સ્થળે પહોંચતા ત્યાં હાજર આરોપી રાજેશ નાનજીભાઈ ગોધવિયા, જયેશ દલસાણીયા, શોકત અલી જેડા, તાજમહમદ મોવર, સહેજાદ અનવરભાઈ, તૌફીક સુમરા, જુસાભાઇ ખાખરેચી વાળા, રાજુ પરમાર, અવી પરેચા, મનીષ નટુભાઈ અને ત્રણ અજાણ્યા શખ્સોએ રાજેશભાઈ મનસુખભાઇ શેરસીયા સાથે ઝઘડો કરી કહ્યું હતું કે, હવે તારી સાથે સમાધાન કરવું નથી તને તો પૂરો જ કરી નાખવો છે કહીને છરી કાઢી ઢીકાપાટુનો મારમારતા ઘટના સ્થળે હાજર મોરબીના અગ્રણી રાજકારણી સહિતના લોકોએ રાજેશભાઈને છોડાવ્યા હતા.

બાદમાં આ હુમલાખોર ટોળકી ફોર્ચ્યુનર અને સ્વીફ્ટ કારમાં ત્યાંથી નાસી જઈ મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ વિપુલભાઈ વિડજાની દુકાને પહોંચ્યા હતા જ્યાં દુકાને હાજર પ્રતીક અને પ્રિન્સ સાથે બોલાચાલી કરીને ઢીકાપાટુનો માર મારી આ ટોળકી નાસી જતા આ ગંભીર બનાવ અંગે રાજેશભાઈ મનસુખભાઇ શેરસીયા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text