રામજી કી નિકલી સવારી..મોરબીમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી

- text


જયશ્રી રામના નારા અને ભગવાન રામની સાત ફૂટની મૂર્તિ સાથેની શોભાયાત્રા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલેથી પ્રસ્થાન થઈને શહેરભરમાં ફરી, 27 પોઇન્ટ ઉપર તમામ જ્ઞાતિ-સમાજ અને સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું, ઠેર-ઠેર રામ જન્મોત્સવ ઉમંગભેર મનાવાયો

મોરબી : મોરબીમાં સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા આજે રામનવમી પાવન અને દિવ્ય અવસર પર જયશ્રી રામના ગગનભેદી નારા સાથે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રામજી નિકલી સવારી, રામજી લીલા હૈ ન્યારી..ના ગીત અને રામધૂન તેમજ જયશ્રી રામના નારા અને ભગવાન શ્રી રામની સાત ફૂટની મૂર્તિ સાથે નીકળેલી શોભાયાત્રામાં જાણે માનવ સાગર લહેરાયો હોય તેટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 27 પોઇન્ટ ઉપર તમામ જ્ઞાતિ-સમાજ અને સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. ઠેરઠેર અબીલ ગુલાલની છોડો ઉડાડી તેમજ હેરતઅંગેજના પ્રયોગો રજૂ કરી, ઠંડા પીણાં અને પ્રસાદ વહેંચીને રામ જન્મોત્સવ ઉમંગભેર મનાવાયો હતો.

મોરબીમાં આ વખતે પ્રથમ વખત તમામ સામાજિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ એક છત્ર નીચે આવી સમસ્ત હિન્દૂ સમાજના નેજા હેઠળ આજે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ઠેરઠેર રામનવમીને લઈને કેસરિયા ધજાકા પતાકા અને રંગબેરંગી રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો હતો. સર્વ હિન્દૂ સમાજ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન શ્રી રામની સાત ફૂટની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલેથી પ્રસ્થાન થઈ હતી. જેમાં અભૂતપૂર્વ કહી શકાય તેટલી માનવ મેદની ઉમટી પડી હતી અને કેસરિયા ધજાકા પતાકા તેમજ અબીલ ગુલાલની છોડો ઉડાડી જયશ્રી રામના દિવ્ય જયઘોષથી વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું. 27 પોઇન્ટ ઉપર તમામ સંસ્થા, જ્ઞાતિ,સમાજ, સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઠેરઠેર ઠંડા પીણાં શરબત અને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. મોરબીના ધારાસભ્ય અમૃતિયા, જૈન સાધ્વી, સાધુ સંતો સહિતના અગ્રણીઓ જોડાતા શોભાયાત્રા એકાદ કિમિ લાંબી જોવા મળી હતી. શોભાયાત્રાના રૂટ ઉપર ઠેરઠેર યુવાનો દ્વારા હેરતઅંગેજના પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા વીસી ફાટક, ત્રિકોણ બાગ, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, નવા ડેલા રોડ, સાવસર પ્લોટ, રામચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક રવાપર રોડ, એચડીએફસી બેન્કની ચોકડી, ગાંધીચોક અને નહેરુ ગેઇટ થઈને દરબારગઢ પહોંચીને પૂર્ણ થઈ હતી.જ્યાં ભગવાન શ્રી રામની મહાઆરતી કરવામાં આવી હતી.જેનો મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.

- text

- text