તારા ભાઈને સ્કૂલેથી ઉપાડી લેશું ! મોરબીમા ચામડા તોડ વ્યાજ વસુલાત સાથે યુવાનને મળી ધમકી 

- text


ચાર શખ્સોએ લાખો રૂપિયા વસુલ કર્યા બાદ સ્વીફ્ટ કાર પડાવી લઈ જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો પોલીસ મથકે

મોરબી : મોરબીમાં હરવા ફરવા અને હોટેલોમાં જમવાના ખર્ચના રૂપિયા 7000 મિત્રને ચૂકવવા માટે વ્યાજના વિષચક્રમા ફસાયેલ યુવાન પાસેથી ચાર શખ્સોએ ચામડા તોડ વ્યાજ વસૂલી બાદમાં નાના ભાઈને સ્કૂલેથી ઉપાડી લઈ યુવાનને પણ જાનથી મારી નાખવા ધમકી આપી વ્યાજખોરોએ સ્વીફ્ટ કાર પડાવી લેતા ચંડાળ ચોકડી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટાઇલ્સ કટિંગનો ધંધો કરતા ભવ્ય ભરતભાઇ ઘોડાસરા નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા પોતાના નાના ભાઈને સ્કૂલેથી ઉપાડી લેવાની ધમકી આપી સ્વીફ્ટ કાર પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપનાર મૂળ લૂંટાવદર અને હાલ વાવડી ગામે રહેતા પ્રિન્સ જાલરિયા, અભિષેક સોઢિયા, રાકેશ બોરીચા અને વાવડી ગામના ચેતન સામતભાઈ જેઠા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં ભવ્ય ઘોડાસરાએ પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે, ચંદ્રેશનગરમાં રહેતા મિત્ર સાવન રાજપરા સાથે પોતે અવાર નવાર હરવા ફરવા અને જમવા જતો હોય સાવન તમામ ખર્ચ ચૂકવતો હતો. બાદમાં સાવને એક દિવસ કહ્યું હતું કે આપણા હરવા ફરવા અને જમવાના ખર્ચના હિસાબ પેટે તારે મને 7000 આપવા પડશે જેથી ભવ્ય પાસે નાણાકીય વ્યવસ્થા ન હોય ભવ્યએ પોતાની સાથે સ્કૂલમાં ભણનાર મિત્ર એવા પ્રિન્સ જાલરીયા પાસે નાણાં ઉછીના માંગતા પ્રિન્સ અને અભિષેકે દરરોજના 100 રૂપિયા વ્યાજ આપવાની શરતે 10 હજાર આપ્યા હતા. જો કે બાદમા અનેક ગણા પૈસા ચૂકવી દેવા છતાં પ્રિન્સ અને અભિષેકે ઉઘરાણી ચાલુ રાખતા ભવ્યએ રાકેશ બોરીચા અને ચેતન જેઠા પાસેથી વ્યાજે નાણાં લઈ વ્યાજનું વ્યાજ અને મુદ્દલ ચૂકવતો હતો.

દરમિયાન ચારેય વ્યાજખોરો પૈકી ચેતન જેઠાએ ભવ્ય પાસેથી તેના મિત્રની સ્વીફ્ટ કાર પડાવી લીધી હતી જ્યારે પ્રિન્સ અને અભિષેકે ભવ્યને અવાર નવાર જાનથી મારી નાખવા ધમકી આપી ભવ્યના નાના ભાઈને ઉપાડી લેવા વોટ્સએપ મેસેજ કરી ધમકી આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભવ્યની ફરિયાદને આધારે ચારેય વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text