મોરબીના 15થી 20 સિરામીક ઉદ્યોગકારો અમરેલી જિલ્લામાં વિન્ડફાર્મ લગાવશે

- text


સિરામીક ઉદ્યોગની સાથે સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ પણ સોલાર-વિન્ડ એનર્જી થકી વીજ બિલ બચાવશે

મોરબી : આપબળે સમગ્ર વિશ્વમાં સિરામીક ઉદ્યોગમાં નામના હાંસલ કરી વિશ્વમાં બીજા નંબરનું સ્થાન મેળવનારા મોરબીના ઉદ્યોગપતિઓ દ્વારા ટૂંક સમયમાં જ વીજ બચત માટે અમરેલી જિલ્લામાં સોલાર અને વિન્ડ એનર્જી પ્લાન્ટ સ્થાપવા તૈયારી શરૂ કરી છે અને પ્રારંભિક તબક્કે 15થી 20 જેટલા ઉદ્યોગગૃહોએ આ માટેની કામગીરી પણ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજ વપરાશમાં મોરબી જિલ્લો અગ્રસર છે ત્યારે ખાસ કરીને મોરબી જિલ્લામાં આવેલ સિરામીક ઇન્ડસ્ટ્રીઝ અને સ્પિનિંગ મિલો દ્વારા વીજ વપરાશ ઘટાડી પ્રોડક્શન કોસ્ટ ઘટાડવા માટે રિન્યુએબલ એનર્જી તરફ વાટ પકડી છે, મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા કહે છે કે, મોરબીના ઉદ્યોગકારો દ્વારા અમરેલી જિલ્લામાં વિન્ડફાર્મ એટલે કે પવનચક્કી અને સોલાર પ્લાન્ટ થકી વીજ ઉત્પાદન કરી સરકારના નીતિનિયમો મુજબ સસ્તી વીજળી મેળવવા યોજના ઘડી કાઢી છે.

- text

વધુમાં પ્રારંભિક તબક્કે મોરબીના સિરામીક અને સ્પિનિંગ મિલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 15થી 20 જેટલા પરંપરાગત ઉર્જાસ્ત્રોત એવા સૌરઉર્જા મેળવવા સોલાર પ્લાન્ટ અતેમજ પવન થકી વીજળી મેળવવા વિન્ડફાર્મ લગાવવા કન્સલ્ટિંગ કરી લેવાયું છે અને નજીકના ભવિષ્યમાં જ વિન્ડફાર્મ અને સોલાર એનર્જી માટે અન્ય ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો પણ આગળ વધી રહ્યા હોય ઉદ્યોગમાં વીજળી વાપરવા માટે કુલ 50 જેટલા ઉદ્યોગકારો આગળ આવનાર હોવાનું ઉમેર્યું હતું.

નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં સોલાર પ્લાન્ટ તેમજ વિન્ડફાર્મ સ્થપવા મામલે વનવિભાગના એનઓસીનો પ્રશ્ન નડતરરૂપ બનતો હતો પરંતુ સાંસદના પ્રયાસોથી વનવિભાગના એનઓસીનો પ્રશ્ન હાલ થતા મોરબીના ઉદ્યોગકારોનો રીન્યુઅલ એનર્જી તરફ વળવાનો માર્ગ મોકળો બન્યો હોવાનું સૂત્રોએ અંતમાં ઉમેર્યું હતું.

- text