હળવદમાં મોજશોખ માટે ટ્રેક્ટરની ટ્રોલી ચોરતી તસ્કર બેલડી ઝડપાઇ

- text


પોલીસે ત્રણ ટ્રોલી અને એક ટ્રેક્ટર કબ્જે લઈ બન્ને આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ કરી

હળવદ : હળવદ પંથકમાં પોલીસે આજે મોજશોખ માટે ટ્રેક્ટરની ટ્રોલી ચોરતી તસ્કર બેલડીને ઝડપી લીધી હતી. પોલીસે તસ્કરો પાસેથી ત્રણ ટ્રોલી અને એક ટ્રેક્ટર કબ્જે લઈ બન્ને આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી એક ચોક્કસ ટોળકી ટ્રેક્ટરોની ટ્રોલીને નિશાન બનાવીને ટ્રોલી ચોરતી હોવાનો બનાવો વધતા પોલીસ આવી ટોળકીને પકડી લેવા એક્શનમાં આવી હતી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગતરાત્રીના સમયે હળવદમાં ટ્રેક્ટરની ટ્રોલી ચોરતા રાણેકપર રોડ પરથી જીજ્ઞેશભાઈ ભરતભાઈ ખેર રહે મેરૂપર અને સચિનભાઈ બાબુભાઈ મેઘાણી રહે માનસરવાળાને ઝડપી લીધા હતા.

- text

પોલીસની પૂછપરછમાં આ બન્ને શખ્સોએ હળવદના સૂર્યનગર ગામના છગનભાઈ જીણાભાઈ દલવાડીના મકાનની બાજુમાં રાખેલ તેમના ટ્રેક્ટરની ટ્રોલી ચોરી તેમજ હળવદ શહેરના વેજનાથ મંદિર પાસેના શિવપાર્કમાં રહેતા કરશનભાઈ લક્ષ્મણભાઈ દલવાડીના ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે આ બન્ને આરોપીઓ પાસેથી બન્ને ચોરાઉ ટ્રોલી ઉપરાંત હળવદ શહેરમાં અન્ય એક જગ્યાએથી ચોરેલી ટ્રોલી અને એક ચોરાઉ ટ્રેક્ટર કબ્જે કર્યું હતું. આ બન્ને શખ્સો મોજશોખ ખાતર ટ્રોલી ચોરી કરતા હતા અને રાત્રે ટ્રેક્ટર લઈને ફરતા હોય ત્યારે અવાવરું જગ્યાએ રેઢી પડેલી ટ્રોલીની ચોરી કરી તેમાં રહેલા લખાણ ભૂંસીને કલર કરી નાખતા હોવાનું ખુલ્યું છે. પોલીસે આ બન્ને શખ્સોને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. આથી રિમાન્ડ દરમિયાન અન્ય ચોરીના બનાવો બહાર આવે તેવી શકયતા છે.

- text