NSS શિબિરમાં ખેતી, આગ સહિતની બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

- text


ખાખરાળા ગામે એનએસએસ યુનિટ દ્વારા ચાલી રહેલી શિબિરના ત્રીજા દિવસે યોજાયા વિવિધ કાર્યક્રમ

મોરબીઃ સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ અને મોરબીના એન એસ એસ યુનિટ દ્વારા ખાખરાળા ગામે ચાલી રહેલી શિબિરના ત્રીજા દિવસે 16 ફેબ્રુઆરીના રોજ સવારે પ્રભાતફેરી અને વ્યાયામ-પરેડ બાદ પ્રોગ્રામ ઓફિસરની આગેવાની હેઠળ સ્વયંસેવકોને બચુભાઈ ડાંગરની ખેતીવાડીની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં ખેતીમાં વવાતા પાકો વિશે સમજૂતી આપી ઘઉંના ઉભા પાક વિશે વિગતે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ખેતીમાં પિયત પદ્ધતિ અને અન્ય છોડ તથા શાકભાજી વિશે પણ આછેરો ખ્યાલ આપવામાં આવ્યો હતો. નજીકમાં આવેલી કેનાલ તથા જીરાના ઉભા પાક વિષય પણ વાત કરવામાં આવી હતી.

એનએસએસના ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં મોરબી નગરપાલિકા ફાયર વિભાગના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, જમાદાર જયેશ ડાકી તથા તેમના અન્ય પાંચ સ્ટાફ મિત્રો દ્વારા આગ લાગે ત્યારે અને આગ ન લાગે તે માટે શું શું કરી શકાય? તે અંગેની સમજૂતી આપવામાં આવી હતી. બાદમાં વિવિધ સાધનો દ્વારા અને વિવિધ ટેકનિક દ્વારા બચાવ કાર્ય કઈ રીતે હાથ ધરી શકાય તે પ્રેક્ટીકલથી સમજૂતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ ફાયર સ્ટેશનને પ્રાપ્ત થયેલા નવા આધુનિક ફાયર વાહન સાથે ઉપસ્થિત રહેલ હોય તેમનું પણ નિદર્શન સ્વયંસેવકો માટે, ગ્રામજનો માટે તથા શાળાના બાળકો માટે કરાયું હતું.

બપોર બાદના બીજા સેશનમાં ડો. જયંતીભાઈ ભાડેસીયા, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ‘કૃતિશીલ દેશભક્તિ યુવાનો પાસે અપેક્ષા’ વિષય ઉપર વાત કરી હતી. તેમના વક્તવ્યમાં પ્રામાણિકતા અને સમાજ સેવા પ્રાથમિક હતા. આ ઉપરાંત તેમણે ભૂતાન, જાપાન, ઇઝરાયેલ જેવા દેશોના ઉદાહરણો દ્વારા દેશ માટે નાગરિકોને ભૂમિકા શું છે તેની ઉત્તમ કક્ષા દર્શાવી હતી. આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિને વર્ણવી તેની વર્તમાન સાથે તુલના કરી હાલના નાગરિક ધર્મની મર્યાદા દર્શાવી હતી. બીજા સેશન બાદ સ્વયંસેવકો દ્વારા સમગ્ર ગામમાં આગામી રવિવાર 19 ફેબ્રુઆરીના યોજાનાર આંખ નિદાન કેમ્પની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને આ કેમ્પમાં ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.

- text

- text