મોરબીમાં પ્રથમ વખત મહિલા આચાર્યએ આર્યસમાજમાં લગ્નવિધિ કરાવી

- text


બુદ્ધદેવ પરિવારની પુત્રીને હરિયાણાથી આવેલા અંજલિબેન આર્યએ સમગ્ર લગ્નવિધિ કરાવીને પરિયણ પંથે પ્રયાણ કરાવ્યું

મોરબી : લગ્ન શાસ્ત્રોક્ત વિધિ મુજબ વર્ષોથી પુરુષ આચાર્ય જ બિરાજમાન થઈને યજ્ઞબ્રહ્મ પદે લગ્નવિધિ કરાવતા હોય છે. પણ મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાએ શ્લોકગાન કરી આર્યસમાજમાં લગ્નવિધિ કરાવી હોય એવી પ્રથમ ઘટના બની છે. મોરબી આર્યસમાજમાં યોજાયેલા આ અનોખા લગ્ન સમારોહમાં બુદ્ધદેવ પરિવારની પુત્રીને હરિયાણાથી આવેલા અંજલિબેન આર્યએ સમગ્ર લગ્નવિધિ કરાવીને પરિયણ પંથે પ્રયાણ કરાવ્યું હતું.

મોરબીના આર્યસમાજના ઇતિહાસમાં મહિલાએ સંસ્કૃત વિધિ વિધાનના અમલ અને મંગલ શ્લોક સાથે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવ્યા હોય એવો આ પ્રથમ બનાવ છે. જેમાં મોરબીના અનિલભાઈ બુદ્ધદેવ અને જ્યોતિબેનની વચેટ દીકરી શૈલજાના લગ્ન ભરતભાઇ સોમૈયાના પુત્ર અર્થ સાથે આર્યસમાજ ખાતે યોજાયા હતા. આ લગ્ન સમારોહમાં લગ્નવિધિની ખાસ વિશિષ્ટતા એ હતી કે લગ્નના આચાર્ય પદે કોઈ પુરુષ નહિ પણ સ્ત્રી બિરાજમાન થઈને આ લગ્નવિધિ કરાવી હતી.

નોંધનીય છે કે, ટંકારાના આર્યસમાજમાં દર વર્ષે મહાશિવરાત્રીની ધર્મોલ્લાસભેર ઉજવણી થતી હોય એમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી આર્યસમાજના વિચારોથી વરેલા આર્યસમાજીઓ આવે છે. આથી વૈદિક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર તેમજ આર્યસમાજના વિચારોને મૂર્તિમંત કરવા હરિયાણાથી આવેલા આર્યસમાજી અંજલિબેન આ બુદ્ધદેવ પરિવારની પુત્રી શૈલજાના લગ્નમાં નિમિત્ત બન્યા અને આચાર્ય પદે બિરાજમાન થઈને લગ્નસંસ્કાર વિધિ કરાવી હતી તેમજ તેમણે તમામ વિધિ પાછળના રહસ્યને સરળ ભાષામાં સમજ આપી હતી. જે સામાન્ય ભાષામાં સંભવ હોતું નથી.

- text

- text