ઘોડા છૂટી ગયા બાદ ….. મોરબીમાં છેલ્લી ઘડીએ વેરા વસુલાત માટે તંત્ર ઊંધા માથે

- text


રૂ.29.76 કરોડની વસુલાતના લક્ષ્યાંક સામે માત્ર રૂ.9.36 કરોડના જ કરવેરાની વસુલાત થઈ, 25 ટકા આસામીઓએ વેરો ભર્યો,

મોરબી : મોરબી નગરપાલિકા કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા હવે છેલ્લી ઘડીએ ઊંધા માથે થયું છે. નાણાકીય વર્ષ પૂરું થવાને હવે દોઢ મહિનો બાકી હોય ત્યારે હવે કરવેરાની આકરી વસુલાત માટે ધોકો પછાડયો છે.માત્ર 25 ટકા જેવા આસામીઓએ વેરો ભર્યો હોય બકીદારોને આખરી નોટિસ ફટકારી છે. તેમજ લોકો બાકી રહેલા એક મહિનામાં વેરો ભરવા સામે આવે તે માટે કરવેરા ઉપર વ્યાજમાફીની યોજના દાખલ કરી છે.

મોરબી નગરપાલિકાની સાધારણ સભામાં ખાસ કરીને કરવેરા ભરવા માટે લોકો આગળ આવે તેવા હેતુસર સરકારની આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળની કરવેરા ઉપર વ્યાજમાફીની યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ કરવેરા ઉપર વ્યાજમાફીની યોજના આજથી જ લાગુ કરી દેવામાં આવી છે. 31 માર્ચ સુધી આ યોજનાનો લોકો લાભ લઇ શકશે. જ્યારે આ વર્ષે કુલ નગરપાલિકાને લોકો પાસેથી કરવેરા રૂપે રૂ.29.76 કરોડની વસુલાત કરવાની હતી. એમાંથી હવે દોઢ મહિનો જ બાકી હોય ત્યારે માત્ર રૂ.9.36 કરોડના જ કરવેરાની વસુલાત થઈ શકી છે. એટલે કરવેરાની મોટાભાગની વસુલાત હજુ બાકી છે. ત્યારે આ દોઢ મહિનામાં પાલિકા કેવો જાદુ કરશે કે કરવેરાનો ટાર્ગેટ પૂરો થઈ શકે ?

- text

આ રૂ. 9.36 કરોડની જે વસુલાત થઈ એમાં ચાલુ વર્ષની રૂ.4.96 કરોડ અને પાછલા વર્ષની રૂ.4.39 કરોડની વસુલાત થઈ છે. હજુ 20 કરોડ જેવા કરવેરાની વસુલાત બાકી છે અને કુલ 83 હજાર કરદાતાઓ છે.જેમાંથી 20399 કરદાતાઓએ ટેક્સ ભરપાય કર્યા છે. એટલે 75 ટકા કરદાતાઓ ટેક્સ ભરવામાં બાકી હોય અને છેલ્લા પાંચ વર્ષથી વ્યાજ ચડત થઈ ગયું હોય છતાં કરવેરા ન ભરતા હોય એવા 400 આસામીઓને આખરી નોટિસ ફટકારી છે. જ્યારે આ વ્યાજમાફીની યોજનામાં વર્ષોથી વેરા ભરવામાં બાકી હોય એવા કરદાતાઓને 40થી 45 ટકા જેવો વ્યાજમાફીનો લાભ મળે એમ હોય ત્યારે છેલ્લી ઘડીએ કરવેરા ભરવામાં લાઈનો લાગે તો નવાઈ નહિ.

- text