મોરબી પાલિકામાં ભાજપી શાસકો બે જૂથમાં વહેંચાયા ! બન્ને જૂથના અમે દોષિત નથી એવા બે જવાબ 

- text


અમે ક્યાંય દોષિત નથી, અમને ડિસ્ક્વોલિફાય ન કરો ! મોરબી પાલિકાનો સરકારની નોટિસ બાદ બે અલગ-અલગ જવાબ 

મોરબી : મોરબી નગરપાલિકામાં બાવને બાવન સભ્યો ભાજપના હોવા છતાં પણ આજે નગર પાલિકાને સુપરસીડ કરવા અંગેનો જવાબ આપવા યોજાયેલ સામાન્ય સભામાં કાઉન્સિલરના બે જૂથ દ્વારા અલગ અલગ જવાબ રજૂ કરતા પાલિકામાં ચાલી રહેલો ખટરાગ ઉડીને આંખે વળગવાની સાથે સરકાર સુધી પહોંચી ગયો છે.

ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકા અધિનિયમ 263 અન્વયે નગરપાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગેની નોટિસનો જવાબ આપવા આજરોજ મોરબી નગર પાલિકાની ખાસ સાધારણ સભા યોજાઈ હતી જેમાં શરૂઆતમાં જ 29.3.2022ના રોજ યોજાયેલ સાધારણ સભાની કાર્યવાહીને બહાલ રાખવા એજન્ડા રજૂ થતા બજેટ અને અન્ય યોજનાકીય ખર્ચ મંજુર રાખતા ઠરાવને ભાજપના 52 પૈકી 39 સભ્યોએ બહુમતીથી પેન્ડિંગ રાખવા પ્રમુખ અને ઉપપ્રમુખના મંજૂરીના નિર્ણયથી વિપરીત નિર્ણય લેતા ભાજપી શાસકો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.

બીજી તરફ આજે ખાસ કરીને ઝૂલતા પુલ અંગે સરકારને જવાબ આપવા અંગેની બાબતે પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા 32 પાનાંનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, નગરપાલિકાહસ્તકના ઝૂલતા પુલનું એગ્રીમેન્ટ 8 તારીખે થયું પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને સહી કરી છે પરંતુ આ સહી માત્રને માત્ર પંચ રોજકામમાં જ છે. આ ઝૂલતો પુલ આપ્યો એવો કોઈ નિર્ણય નથી કર્યો. જે તે સમયે ઓરેવાને પુલ સોંપવામાં જિલ્લા કલેકટર સાથે જ ચર્ચા કરી ઓરેવાને સોંપવામાં આવ્યો હોય નગરપાલિકા અધિનિયમ 263 મુજબ મોરબી નગરપાલિકાના કોઈ પણ સદસ્ય જવાબદાર નહી હોવાનું આ જવાબમાં જણાવવામાં આવ્યું છે. વધુમાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ સ્પષ્ટ પણે કહ્યું હતું કે, પાલિકા દ્વારા જે પંચરોજકામ કરાયું છે તે એક રોજનીશી સમાન છે અગાઉ જયારે ઓરેવા કંપનીને ઝૂલતો પુલ સોંપવામાં આવ્યો ત્યારે કોંગ્રેસની બોડી હતી જેથી આ બનાવમાં અમે ક્યાંય દોષિત નથી. જેથી અમને ડિસ્ક્વોલિફાય ન કરી શકો તેવું સ્પષ્ટ પણે જણાવાયું છે.

- text

બીજી તરફ મોરબી નગરપાલિકાના સદસ્ય ભાવિકભાઈ જારીયા દ્વારા બહુમત સભ્યોની સહી અને સોગંદનામા સાથે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહીત છ સભ્યોના જવાબથી અલગથી જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ એકટ 65 – 2 મુજબ 10 લાખથી વધુની પ્રોપર્ટી સાધારણ સભા અને સરકારની મંજૂરીથી જ હોવુ જોઈએ પરંતુ ઝૂલતા પુલ પ્રકરણમાં આ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. વધુમાં નગરપાલિકા અને ઓરેવા કંપની વચ્ચે થયેલા ઠરાવ અંગે મોટાભાગના સદસ્યો અજાણ હોવાનું અને આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી તેમની પાસે ન હોવાનો અલગ જવાબ રજૂ કરવામાં આવતા મોરબી પાલિકામાં શાસકો વચ્ચે એકસૂત્રતા ન હોવાનું આજે ખુલીને બહાર આવ્યું હતું અને નગરપાલિકાને સુપરસીડ ન કરવા સંદર્ભે અલગ અલગ બબ્બે જવાબ સરકાર સમક્ષ મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આજની સામાન્ય સભામાં કુલ 52 સભ્યો પૈકી સભ્ય દેવાભાઈ અવાડિયા લગ્ન પ્રસંગમાં હોવાથી રજા રિપોર્ટ આપી હાજર રહ્યા ન હતા આ સિવાય તમામ સભ્યો હાજર રહેતા બજેટ સહિતના બે એજન્ડા પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા અને ઝૂલતા પુલના જવાબનો એજન્ડા અલગ અલગ બે જવાબ સાથે મંજુર રહ્યો હતો. મજાની વાત તો એ હતી કે અપશુકનિયાળ ગણાતી બિલાડી અચાનક જ ચાલુ જનરલ બોર્ડમાં આવી ચડતા ચર્ચાનો વિષય બની હતી સાથે જ આજે સામાન્ય સભા ચાલુ થતા પૂર્વે જ મોરબી નગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે સાધારણ સભાનું લાઈવ કવરેજ ટેલિકાસ્ટ ન કરવા પણ મીડિયાને વિનંતી કરતા આશ્ચર્ય સર્જાયું હતું.

- text