વિવેક બિન્દ્રાને રેલો આવતા વિડીયો ડીલીટ કરવો પડ્યો

- text


મોરબીની ટાઈલ્સને હલકી ગુણવત્તાનું કહેવું ભારે પડ્યું, કહેવાતા મોટિવેશનલ સ્પીકરના પારોઠના પગલાં : સિરામીક એસોશિએશન હવે પગલાં નહીં લે

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સીરામીક ઉદ્યોગને હલકો ચીતરવાનો પ્રયાસ કરનાર કહેવાતા મોટિવેશનલ સ્પીકરને રેલો આવ્યો છે, વર્તમાનપત્રો, ન્યુઝ ચેનલો અને સરકાર મારફતે સિરામીક ઉદ્યોગકારોએ રોષ ઠાલવવાની શરૂઆત કરવાની સાથે સરકારને પણ આ ગંભીર બાબતે રજુઆત કરતા વિવિક બિન્દ્રાએ આજે ફેસબુક ઉપરથી પોતાની વિડીયો પોસ્ટ હટાવી દીધી છે. જો કે, મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખે કહ્યું હતું કે, વિડીયો હટાવી દેવામાં આવ્યો હોય હવે કોઈ પગલાં નહીં લેવામાં આવે.

મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર સીધો પ્રહાર કરી કહેવાતા મોટીવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ મોરબીની ટાઇલ્સને હલકી ગણાવતા ગઈકાલે મોરબીના સિરામિક ઉદ્યોગકારો લાલઘૂમ બન્યા હતા અને મોરબીની વૈશ્વિક કક્ષાની પ્રોડ્કટને નબળી અને હલકી ગણાવનાર વિવેક બિન્દ્રા સામે બદનક્ષીનો દાવો માંડવા ચીમકી ઉચ્ચારી મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, વિનોદ ભાડજા અને પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા સહિતના આગેવાનોએ તાત્કાલિક અસરથી આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી હટાવવા અલ્ટીમેટમ આપ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે, વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા વિશ્વમાં 20 ટકા અને દેશના 93 ટકા ટાઇલ્સ અને સેનેટરીવર્સનું ઉત્પાદન સપ્લાય કરવામાં આવી રહ્યું છે અને વર્ષે 16000 કરોડથી વધુ એક્સપોર્ટ તેમજ 45000 કરોડથી વધુનું દેશમાં આ ઉદ્યોગનું ટર્નઓવર ધરાવે છે ત્યારે દેશ માટે ગૌરવ સમાન મોરબીના સિરામિક ઉદ્યોગ વિશે વિવેક બિન્દ્રાએ કરેલી ટિપ્પણીથી મોરબીના ઉદ્યોગકારોની છબીને ઠેસ પહોંચતા આ મામલે સરકાર સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી હતી.

બીજી તરફ મોરબીના સિરામીક એસોશિએશનની રોષભેર રજૂઆતોના પડઘા સોશિયલ મીડિયા, ટીવી ચેનલ અને વર્તમાનપત્રોમાં પડતા કહેવાતા મોટિવેશનલ સ્પીકર બિન્દ્રાએ પોતાના ઓફિસિયલ ફેસબુક પેઈજ ઉપરથી આ વિડીયો હટાવી દીધો છે. આ મામલે મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, અમારી માંગણી મુજબ વિવેક બિન્દ્રાએ વિડીયો પોસ્ટ હટાવી દીધી હોય હવે કોઈ કાયદાકીય પગલાં ભરવાનો પ્રશ્ન રહેતો નથી.

- text