મોરબીમાં જંત્રી બમણી થતા દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો 

- text


અગાઉ દરરોજ 80 થી 100 દસ્તાવેજની સામે હવે નોંધણી ઘટતા રજિસ્ટ્રાર કચેરીમાં સ્ટાફ નવરોધુપ 

મોરબી : સરકારે નવી લાગુ કરેલી જંત્રીને કારણે મોરબીમાં દસ્તાવેજની કામગીરી પર વિપરીત અસર પડી છે. નવી જંત્રીના દર બમણા હોવાથી દસ્તાવેજનું પ્રમાણ ઘટી ગયું છે. અગાઉ સરેરાશ 80થી 100 જેટલા દરરોજ દસ્તાવેજ થતા હવે ખૂબ ગણ્યા ગાંઠ્યા દસ્તાવેજ થતા સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્ટાફ પણ નવરોધુપ થઈ ગયો છે. નવી જંત્રીના બમણા દરથી બાંધકામના નવા પ્રોજેક્ટના કામ અટકી ગયા છે.

મોરબીના તાલુકા સેવાસદન અંદર આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં અગાઉ પગ મુકવાની જગ્યા ન હોય એટલી ભીડ રહેતી અને દસ્તાવેજની કામગીરી માટે ટોકન લેવા 4-5 દિવસનું વેઇટિંગ આવતું હતું. અગાઉ દરરોજ 80થી 100 જેટલા દસ્તાવેજની કામગીરી થતી હતી પણ હવે સરકારે નવા જંત્રી દરમાં બમણો ભાવવધારો કરી દેતા દસ્તાવેજની કામગીરી ખૂબ જ ઘટી ગઈ છે. આ અંગે સબ રજિસ્ટ્રાર કાનુભા જાડેજા અને કમલેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, તા.4ના રોજ સરકારે નવા જંત્રી દર લાગુ કર્યા બાદ છેલ્લા 4-5 દિવસમાં દસ્તાવેજની કામગીરી ખૂબ જ ઓછી થઈ છે.

હાલમાં મોરબીમાં જૂની જંત્રી મુજબ 173 દસ્તાવેજ થયા છે અને નવી જંત્રી દર મુજબ 10 જેવા દસ્તાવેજ થયા છે.વેલ્યુએશન મુજબ 183 દસ્તાવેજ થયા છે. રોજના જ્યાં 80થી 100 દસ્તાવેજ થતા ત્યાં હવે 50થી પણ ઓછા દસ્તાવેજ થવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મોરબીમાં દસ્તાવેજ થાય છે અને સરકારને સરેરાશ વર્ષે 2 અબજ જેવી સ્ટેમ્પ ડ્યુટીની આવક થાય છે. હવે આ નવા જંત્રી દરથી સરકારની આવક ડબલ થઈ જશે.જો કે સૌથી વધુ શહેરની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટમાં જૂની જંત્રીના દર રૂ.1.15 લાખ હતા. હવે એના ડબલ થઈ ગયા છે.

જો કે તા.4 પહેલા ટોકન લેનારા લોકોના જૂની જંત્રી મુજબ દસ્તાવેજ થશે બાકીનાને નવા બમણા જંત્રી દરથી નવા દસ્તાવેજ બનાવવા પડશે. હજુ નવી જંત્રી દરનો વિરોધ ચાલી રહ્યો હોય બિલ્ડરો, રેવન્યુ વકીલો તેમજ લોકો પણ બાંધકામમાં નવા સાહસો કરતા અચકાય છે.આથી દસ્તાવેજની કામગીરી સાવ ધીમી પડી ગઈ છે.

- text

- text