અમે કોઈપણ જાતની શરત વગર મૃતકો, ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવા તૈયાર છીએ : હાઇકોર્ટમાં અજંતા કંપનીની અરજ

- text


ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટનો પણ સાફ જવાબ વળતર ચૂકવ્યા બાદ પણ કેસ ચાલુ રહેશે : રાજ્યના અન્ય જોખમી પુલ અને સરકારે જવાબ રજૂ કર્યો

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં આજે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો રીટ પિટિશનની સુનાવણી દરમિયાન અજંતા કંપનીએ પોતાના વકીલ મારફતે મૃતકો અને ઇજાગ્રસ્તો તેમજ દુર્ઘટનામાં અનાથ બનેલા તમામ બાળકોની તમામ જવાબદારી બિનશરતી રીતે સ્વીકારવા જણાવ્યું હતું. જો કે નામદાર કોર્ટ દ્વારા વળતર ચુકવવાની વાત બાદ કંપનીને કોઈ રાહત મળશે તેવું ન સમજવા સ્પષ્ટ કર્યું હતું સાથો સાથ નામદાર કોર્ટે ગુજરાત સરકારને રાજ્યના તમામ મોટા પુલની વર્ષમાં બે વખત નિયમિત ચકાસણી કરવા આદેશ જાહેર કર્યો હતો. સાથો સાથ અજંતા કંપનીને કેટલું વળતર ચૂકવવું તે અંગે મોટર વ્હીકલ એકટને બેઇઝ રૂપે લેવા જણાવ્યું હતું.

ગત તા.30 ઓક્ટોબરના રોજ મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ સુઓમોટો રીટ પિટિશનની આજે સુનાવણી દરમિયાન અજંતા કંપની વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એનડી નાણાવટીએ જણાવ્યું હતું કે અજંતા ઓરેવા કંપની આ દુર્ઘટનામાં વળતર ચૂકવવા બિનશરતી રીતે તૈયાર છે. ઘટનાને કારણે અનાથ થયેલા 7 બાળકોની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી તેઓનો સંપૂર્ણ ભણતર ખર્ચ રહેવાનો ખર્ચ અને નોકરી મળે ત્યાં સુધી જવાબદારી સાંભળવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

અજંતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એનડી નાણાવટીએ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રીની બેન્ચ સમક્ષ આ રજૂઆત કરી હતી. તેમણે એમ પણ રજૂઆત કરી હતી કે જેઓ ઘાયલ થયા છે તેઓને કંપની વળતર આપવા તૈયાર છે અને મૃત લોકોના સંબંધીઓને પણ તેમના દ્વારા યોગ્ય વળતર આપવામાં આવશે. કંપનીના સ્તરે પણ કેટલીક ભૂલો કરવામાં આવી છે. આ તબક્કે અમે માત્ર એક જ વસ્તુ કરી શકીએ છીએ તે છે વળતર. 7 બાળકો માટે, જે અનાથ બની ગયા છે. કંપની તેમના રહેઠાણની કાળજી લેશે, જીવનની અન્ય સુવિધાઓ આપશે. , અને શિક્ષણ, અને તેમની લાયકાત મુજબ, તેમને નોકરી આપવામાં આવશે. અત્યાર સુધી, જેઓ મૃત્યુ પામ્યા છે…જેઓ ઘાયલ થયા છે અને સ્વસ્થ થયા છે, અમે તેમને વળતર આપવા તૈયાર છીએ તેવું તેમને જણાવ્યું હતું.

- text

જો કે સુઓમોટો રીટની સુનાવણી કરી રહેલી બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે, વળતરની ચુકવણી કરી કંપની વિરુદ્ધ જે કાર્યવાહી કરી શકે છે તેને અસર કરશે નહીં અને કોઈપણ બાબત આ વળતર ચુકવવાથી તરફેણમાં રહેશે નહીં. અજંતા કંપનીએ વધુમાં એવી રજૂઆત કરી હતી કે મોરબીનો ઝુલતોપુલ કંપનીએ કોઈ કમાવાના હેતુથી સંચાલન માટે ન હોતો રાખ્યો પરંતુ એક પ્રાચીન ધરોહર અને ઐતિહાસિક વારસો સચવાઈ રહે તે માટે જ અજંતા ઓરેવા કંપની દ્વારા બ્રિજને જનતા માટે રિનોવેટ કરાયો હતો પરંતુ પુલ ઉપર ઓવર ક્રાઉડ એકત્રિત થતા આ દુર્ઘટના સર્જાઈ છે ત્યારે બ્રિજ તૂટી પડવાની ઘટનાને લગતી સુઓમોટો કાર્યવાહીમાં પોતાનો બચાવ કરવાનો અધિકાર અનામત રાખે છે.

કોર્ટે આ કેસમાં સ્પષ્ટતા કરી કે વળતરની ચુકવણી કંપનીને તેની જવાબદારીમાંથી મુક્ત કરશે નહીં અથવા તેમને આ ઘટનાને લગતા અન્ય કોઈપણ કાયદામાં તેમની સામેની કોઈપણ કાર્યવાહી/કેસમાં કોઈ લાભ આપશે નહીં.વધુમાં, જ્યારે વરિષ્ઠ વકીલ નાણાવટીએ પીડિતોને વળતરની કેટલી રકમ ચૂકવવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરવા માટે બેન્ચને વિનંતી કરી, ત્યારે બેન્ચે કહ્યું કે મોટર વ્હિકલ એક્ટ મુજબ પીડિતો મૃતકોને વળતર ચૂકવવા માટે ગણતરી કરવી.

ઉલ્લેખનીય છે કે આજની સુનાવણી દરમિયાન નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા એડવોકેટ જનરલ પાસેથી રાજ્યમાં આવા કેટલા જોખમી છે તે અંગેના સવાલના જવાબમાં એડવોકેટ જનરલે કુલ 63 પુલ જોખમી જણાતા તાત્કાલિક અસરથી 27 પુલની મરામત કામગીરી થી ગઈ હોવાનું અને 36 પુલનું રીપેરીંગકામ ચાલુ હોવાનો જવાબ રજૂ કરતા નામદાર હાઇકોર્ટે ગુજરાત સરકારના સંબંધિત વિભાગને વર્ષમાં બે વખત આવા પુલની ચકાસણી કરવી જેમાં એક વખત ચોમાસા પહેલા અને બાદમાં ઓક્ટોબર માસમાં પુલની તપાસ કરવા આદેશ કરી ઝૂલતા પુલની વધુ સુનાવણી આગામી તા.20 ફેબ્રુઆરીના રોજ મુકરર કરી હતી.

- text